મનપાના નિવૃત્ત ઈજનેર સહિત ૯ને બીજી નોટિસ: જવાબના આધારે થશે કાર્યવાહી
નોકરી છોડ્યા બાદ વોટર વર્કસ શાખાના ૯ ઈજનેરોને ૩૭થી વધુ ફાઈલ સાથે ઘરે બોલાવ્યા મામલે વિજિલન્સ તપાસ પૂર્ણ: રિપોર્ટ કમિશનરને સુપ્રત
૩૧ જૂલાઈએ મહાપાલિકામાંથી નિવૃત્ત લેનાર એડિશનલ સિટી ઈજનેર અલ્પના મિત્રાએ નિવૃત્ત થયા બાદ વોટર વર્કસ શાખાના ૯ ઈજનેરોને ૩૭થી વધુ ફાઈલ ઉપર હસ્તાક્ષર કરવા માટે ઘરે બોલાવ્યા બાદ આ મામલે ભારે હોબાળો મચી ગયો હતો. નિયમ પ્રમાણે કોઈ અધિકારી નિવૃત્ત થાય એટલે હસ્તાક્ષર કરવા માટે કોઈ પણ ફાઈલ કચેરીની બહાર લઈ ન જઈ શકે આમ છતાં અલ્પના મિત્રાએ આટલા ઈજનેરોને એક સાથે ઘેર શા માટે બોલાવ્યા તે મુદ્દે વિજિલન્સ તપાસ બેસાડવામાં આવી હતી. લાંબા સમય સુધી તપાસ ચાલ્યા બાદ આખરે તેનો રિપોર્ટ મ્યુનિ.કમિશનરને સુપ્રત કરી દેવામાં આવ્યો છે.
આ અંગે મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું કે રિપોર્ટનો હજુ સંપૂર્ણ અભ્યાસ થયો નથી પરંતુ અલ્પના મિત્રા ઉપરાંત તેમના ઘેર જનારા ઈજનેરો કપિલ જોષી, દિવ્યેશ ત્રિવેદી, વી.એચ.ઉમટ, એચ.એમ.ખખ્ખર, અશ્વિન કણઝારીયા, રાજેશ રાઠોડ, હિરેનસિંહ જાડેજા, દેવરાજ મોરી અને અંકિત તળાવિયાને વધુ એક નોટિસ ફટકારવામાં આવી હતી.
આ નોટિસ તેઓ શા માટે મહાપાલિકાની ફાઈલ લઈને અલ્પના મિત્રાના ઘેર ગયા તેનો જવાબ માંગવા માટે ફટકારાઈ હોય હવે તેમનો ટૂંક સમયમાં જવાબ આવ્યા બાદ જવાબના આધારે ખાતાકીય પગલાં લેવામાં આવશે.