ઉંદર વિવાદ ! એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી !
બોલો લ્યો દર્દીઓને બટકા ભરતા ઉંદર પકડવા તે અત્યાચાર ?
રાજકોટ મહાનગર પાલિકાના ઢોર ડબ્બાના પૂર્વ સંચાલક એવા જીવદયાપ્રેમીના બેવડા ધોરણો
રાજકોટ : ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય એવા જીવદયા પ્રેમીના સંચાલન હેઠળના રાજકોટ મહાનગર પાલિકાના ઢોર ડબ્બામાં 700થી વધુ ગૌમાતાના મૃત્યુ થયાનો વિવાદ હજુ સમ્યો નથી તેવા સમયે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બચકા ભરી જતા ઉંદરો પકડવા મામલે સિવિલ સતાવાળાઓએ પાંજરા ગોઠવી ઉંદરોને જીવિત પકડી અન્ય સ્થળે મુક્ત કરવામાં આવતા ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને તમે ઉંદર ઉપર અત્યાચાર કરી રહયા છો તેવો આરોપ મૂકી એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ ઉપર નોટિસ ફટકારતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. બીજી તરફ હોદાની રૂએ રાજકોટ કલેકટર ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના જિલ્લાના અધ્યક્ષ હોય જીવદયા પ્રેમીની આ નોટિસ મામલે તેઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધ્યો હોવાથી ઉંદર પકડવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, પરંતુ લગત એજન્સી માર્ચ મહિના સુધી કામગીરી કરી શકે તેમ ન હોવાથી હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા ઉંદર પકડવાના પાંજરા ગોઠવી ઉંદરને પકડી સુરક્ષિત સ્થળે દૂર છોડી રહયા હોવા છતાં ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય એવા જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને અન્ય સતાવાળોને ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ ઉપર લીગલ નોટિસ ફટકારી તમે ઉંદરો પકડી અત્યાચાર કરી રહ્યા છો તો શા માટે તમારા વિરુદ્ધ આઇપીસી કલમ 428 અને 429 મુજબ કાર્યવાહી ન કરવી. જો કે, મહત્વનું છે કે, હાલમાં આઇપીસીને બદલે બીએનએસ કાયદો અમલમાં આવ્યો છે અને આઈપીસીની ઉપરોક્ત કલમને બદલે હાલમાં બીએનએસ કાયદાની કલમ 325 અસ્તિત્વમાં હોવા છતાં જીવદયા પ્રેમીએ આપેલ નોટિસમાં નવી કલમનો કોઈ ઉલ્લેખ નથી.
મહત્વની બાબત એ છે કે, રાજ્યમાં અમલી બનેલ ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડમાં હોદાની રૂએ જિલ્લા કલેકટર અધ્યક્ષ છે. સામાન્ય સંજોગોમાં અધ્યક્ષ દ્વારા જ નોટિસ ફટકારવી કે અન્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના કિસ્સામાં બોર્ડના સભ્ય દ્વારા એનિમલ વેલ્ફેર બોર્ડના સિમ્બોલનો ઉપયોગ કરી લીગલ નોટિસ ફટકારવામાં આવી છે તે કાયદા સુસંગત છે કે કેમ તે અંગે જિલ્લા કલેકટરનું પણ ધ્યાન દોરવામાં આવતા તેઓએ પણ આ મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકાના ઢોર ડબ્બાનું સંચાલન રાજેન્દ્રભાઇ શાહની સંસ્થાને સોંપવામાં આવ્યું હતું તે સમયગાળામાં જ ઢોર ડબ્બામા 700થી વધુ ગૌમાતાના મૃત્યુ થતા વિવાદ સર્જાયો હતો અને રાજેન્દ્રભાઇ શાહની સંસ્થાએ અહીં સંચાલન કરવા સક્ષમ ન હોવાનું જણાવી ઢોર ડબ્બાનું સંચાલન મહાનગર પાલિકાને પરત સોંપી આપ્યું હતું આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, દર્દીઓને કરડી ખાતા ઉંદર પકડવાની કામગીરીમાં અત્યાચાર જોઈ રહેલા જીવદયાપ્રેમી ગૌમાતાના મૃત્યુ સમયે કેમ કોઈને નોટિસો ન પાઠવી. સાથે જ ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય તરીકે શું તેઓ કોઈ સરકારી સંસ્થાને નોટિસ ફટકારવા સતા ધરાવે છે? તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.