અનિલ મારૂ જેલહવાલે: ૧૩૯ લોકોને એસીબીનું તેડું
અનિલ પાસેથી ફાયર એનઓસી મેળવનારા તમામના નિવેદન લેવાશે: ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન ખાસ્સું કઈ ઓકાવી ન શકી એસીબી
રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયો: અમુક ખાનગી વસ્તુ મળી છે પણ તે જાહેર ન કરી શકાય-ડીવાયએસપી ગોહિલ
મહાપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને ફાયર એનઓસી ઈશ્યુ કરવાના બદલામાં ૧.૮૦ લાખની લાંચ લેતાં રંગે હાથે પકડી પાડ્યા બાદ એસીબી દ્વારા તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. જો કે આ રિમાન્ડ દરમિયાન કશી જ સચોટ વિગતો ઓકાવી શકવામાં એસીબી નિષ્ફળ નિવડતાં હવે અનિલને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ અનિલે ચાર્જ સંભાળ્યાના ૪૩ દિવસમાં ૧૩૯ લોકોને ફાયર એનઓસી ઈશ્યુ કર્યા હતા જે તમામને એક બાદ એક બોલાવીને તેમના નિવેદન નોંધવામાં આવશે.
આ અંગે એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે જણાવ્યું હતું કે અનિલના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા નથી એટલા માટે તે જેલહવાલે થઈ ગયો છે. જો કે રિમાન્ડ દરમિયાન હોવાથી તેણે ઈશ્યુ કરેલા ફાયર એનઓસી મેળવનારાના નિવેદન લઈ શકાયા ન હોવાથી હવે તમામને બોલાવવામાં આવશે અને જો તેમાંથી કોઈએ લાંચ આપીને એનઓસી મેળવ્યા હોવાની કબૂલાત આપશે તો ચાર્જશીટ વધુ મજબૂત બનશે જેના કારણે અનિલને જામીન મળવાની શક્યતા નહીંવત્ રહેશે.
શું અનિલ મારૂના નામે કોઈ છૂપી મિલકત કે ઝર-ઝવેરાત મળી આવ્યા છે કે નહીં ? આ પ્રશ્નનો જવાબ આપતાં ડીવાયએસપી ગોહિલે જણાવ્યું હતું કે અમુક ખાનગી વસ્તુ મળી આવી છે પરંતુ અત્યારે તે જાહેર કરી શકાય તેમ નથી. જો કે ટૂંક સમયમાં આ વિગતો જાહેર કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વધુ એક ચીફ ફાયર ઓફિસર જેલના સળિયા પાછળ ધકેલાઈ જતાં મહાપાલિકામાં ફરી એક વખત ફાયર એનઓસી ઈશ્યુ કરવા સહિતની કામગીરી ખોરંભે ચડી જવા પામી છે. તંત્ર દ્વારા સરકાર પાસે તાત્કાલિક અસરથી ચીફ ફાયર ઓફિસર મુકવા માંગણી કરવામાં આવી છે ત્યારે ટૂંક સમયમાં આ જગ્યાએ વધુ એક અધિકારીને મુકવામાં આવશે.
