રાજકોટમાં આંગણવાડીનાં સુપરવાઇઝરો અંતે જાગ્યા: વિઝિટ શરૂ
- ‘વોઇસ ઓફ ડે’ એ કાન આમળ્યા બાદ સફાઇ, ન્યૂસન્સ, પીવાના પાણી બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે: ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર
રાજકોટમાં મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીઓમાં ચાલતી લોલમલોલ અંગે “વોઇસ ઓફ ડે” દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. છેલ્લા બે દિવસથી નિયમિત આંગણવાડીઓમાં સુપરવાઇઝરો દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે તો બીજી તરફ બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પણ સુધરી છે. વોઇસ ઓફ ડે દ્વારા આંગણવાડીમાં સફાઇ, ન્યૂસન અંગે પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓમાં ભણતા બાળકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે પરંતુ યોગ્ય સંચાલનના અભાવે બાળકોને પુરકપોષણ આહાર મળતો નહતો. જે અંગે ‘વોઇસ ઓફ ડે’ દ્વારા આંગણવાડીઓની રૂબરૂ મુલાકત લઈને તપાસ કરવામાં આવી હતી અને પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે.

આંગણવાડીના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન કામલીયાએ ‘વોઇસ ઓફ ડે’ ને જણાવ્યું હતું કે, મંડળી દ્વારા ભોજન આપવામાં આવે છે. બાળકોને આપવામાં આવતા ભોજનમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે લેખિત નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત કેટલીક આંગણવાડીઓમાં પાણીના પ્રશ્નો છે તેનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જે વોટર પ્યૂરીફાઈ છે તે ખૂબ જ જૂના છે ઉપરાંત જે આંગણવાડીઓમાં વોટર પ્યૂરીફાઈ બંધ છે અથવા તો નથી તેવી આંગણવાડીઓ માટે નવી દરખાસ્ત થઈ ગઈ છે અને ત્યાં નવા વોટર પ્યૂરીફાઈ મૂકવામાં આવશે.

જે આંગણવાડી બંધ છે તેમાં વર્કર-હેલ્પર બંનેની જગ્યા ખાલી છે માટે તેને બીજી આંગણવાડી સાથે મર્જ કરવામાં આવી છે. હાલ નવી ભરતી થઈ ગઈ છે હવે ત્યાં વર્કર-હેલ્પર મૂકવામાં આવશે. બંધ આંગણવાડી શરૂ કરવામાં આવશે. સફાઇ બાબતે પણ ન્યૂસન પોઈન્ટનું કોર્પોરેશનને લિસ્ટ આપી દેવામાં આવ્યું છે, કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. લોકો જ રાત્રે આંગણવાડી પાસે કચરો નાખી જતાં હોય છે. જો કે તે દૂર કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત આંગણવાડીમાં આવેલા ભૂગર્ભ ટાંકાનું ઢાંકણું ચોરાઇ ગયું હતું તે બીજે જ દિવસે નવું નાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ‘વોઇસ ઓફ ડે’ દ્વારા બાળકોના હિત ખાતર ઉપાડવામાં આવેલી આ મુહિમને લઈને હવે મહાનગર પાલિકાનું તંત્ર પણ જાગ્યું છે.
બાળકોના આરોગ્ય સાથે ચેડાં નહી ચલાવી લેવાય: જયમિન ઠાકર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકરે કહ્યું હતું કે, ‘વોઇસ ઓફ ડે’એ બાળકોને ભોજન આપવાની વ્યવસ્થાનો વિષય સત્યતા પૂર્ણ ઉપાડ્યો છે અને અમારા ધ્યાનમાં મૂક્યો છે. આ ખૂબ ગંભીર વિષય છે. બાળકોના આરોગ્ય સાથેના ચેડાંનો વિષય છે માટે આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જરૂરિયાત મુજબ જે કોઈ દોષિત હશે તેની સામે પગલાં પણ ભરવામાં આવશે.