અગ્નિકાંડમાં આનંદ પટેલ-અમિત અરોરા સાફ’
બન્ને અધિકારીઓની કોઈ જ ભૂમિકા કે જવાબદારી ન હોવાના તારણ સાથે
સત્ય શોધક કમિટી’એ આપી ક્લિનચીટ
ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની સત્તા ટાઉન પ્લાનિંગ શાખા પાસે હોવાથી પટેલ કે અરોરાનો કોઈ રોલ ન નીકળ્યો
રિપોર્ટ બાદ હાઈકોર્ટનું વલણ કેવું રહે છે તેના પર સૌની મીટ
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતને હચમચાવી નાખનાર નાનામવા રોડ પર ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડની આગ ધીમે-ધીમે ઠરવા લાગી હોય તેવી રીતે એક બાદ એક અધિકારીઓ આબાદ બચી રહ્યા છે. જ્યારે અગ્નિકાંડ સર્જાયો ત્યારે અધિકારીઓની જવાબદારી મુખ્યત્વે હોવાની વાત વહેતી થઈ હતી પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આઈએએસ કે આઈપીએસ પૈકીના એક પણ અધિકારીનો રોલ' ન હોવાની વાત વહેતી થઈ ગઈ હતી. અગ્નિકાંડ બાદ તત્કાલિન મ્યુનિ.કમિશનર આનંદ પટેલની બદલી કરી નાખવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉના મ્યુનિ.કમિશનર અને હાલ કચ્છના કલેક્ટર અમિત અરોરાનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. આ અધિકારીઓની કોઈ ભૂમિકા છે કે નહીં તેની તપાસ માટે સત્ય શોધક કમિટી રચવામાં આવી હતી જેમાં આ બન્નેની કોઈ જ જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા સીનિયર આઈએએસ અધિકારીઓ અશ્વિની કુમાર, મનિષા ચાંદ્રા, પી.સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલની એક
સત્ય શોધક કમિટી’ની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા બે દિવસ સુધી રાજકોટમાં રોકાણ કરીને અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરી એક રિપોર્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ હજુ સાર્વજનિક થયો નથી પરંતુ તે પહેલાં જ કમિટીઓ દ્વારા આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લિનચીટ આપી દીધી હોવાની વાત સામે આવી છે ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટનું વલણ કેવું રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
એવી વાત પણ સામે આવી છે કે કમિટીએ પોતાના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે વર્ષો પહેલાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટાઉન પ્લાનિંગ શાખાને અપાઈ હોવાને કારણે બન્ને મ્યુનિસિપલ કમિશનરનો આ કાંડમાં કોઈ રોલ છે નહીં. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ વખતે આનંદ પટેલ રાજકોટના મ્યુનિ.કમિશનર હતા જ્યારે અમિત અરોરા જ્યારે મ્યુનિ.કમિશનર હતા ત્યારે ગેઈમ ઝોન પર યોજાયેલી બર્થ-ડે પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરો પણ વાયરલ થઈ હતી.
આ કાંડ બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સુધીર દેસાઈ તેમજ મ્યુનિ.કમિશનર આનંદ પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાઈ હતી. દરમિયાન બુધવારે સાંજે રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના વડા તરીકે પોસ્ટીંગ અપાયું છે જ્યારે બાકીના ત્રણ અધિકારીઓ હજુ પોસ્ટીંગની રાહ જોઈ રહ્યા છે.