પાયાવિહોણા આક્ષેપો કરી પોલીસનું “મોરલ”તોડવાનો પ્રયાસ: સીપી રાજૂ ભાર્ગવ
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલા આક્ષેપ સામે પોલીસનો પલટવાર
શહેર પોલીસ પાયાવિહોણા આક્ષેપોનો જવાબ આપવા કાયમ માટે સક્ષમ હતી અને રહેશે
રાજકોટના પૂર્વે ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી રાજકોટ શહેર પોલીસની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટ્રાચાર બાબતે કરેલા ગંભીર આક્ષેપો સામે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી આ આક્ષેપો પાયા વિહોણા અને તથ્યહિન આક્ષેપો કરી પોલીસનું “મોરલ”તોડવાનો પ્રયાસ પૂર્વ ધારાસભ્યએ કર્યો હોવાનું પોલીસ અધિકારીઓએ નિવેદનમાં જણાવ્યું હતું.
પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી,ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી સુધીર દેસાઇ,ડીસીપી પૂજા યાદવે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલા આક્ષેપો અંગે વળતો જવાબ આપી તમામ મુદાઓનો લેખિત જવાબ, આંકડાઓ સાથે રજૂ કર્યો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કાયદો વ્યવસ્થા બાબતે જણાવ્યું કે શહેરમાં દરેક તહેવારો, ધાર્મિક પ્રસંગો, શોભાયાત્રાઓ, સંમેલનો , મેળા સહિતના કાર્યક્રમો સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે. પોલીસ સતત ખડેપડે રહી કામગીરી કરે છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કાયદો અને વ્યવસ્થા બાબતે કરેલા વિધાનો સત્યતાનો અંશ નથી.
ટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે કરેલી કામગીરી અંગે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2022 માં કુલ 3435 વાહનો ડિટેઇન કરી રૂ.67,64 ,315 રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023માં 3923 વાહનો ડિટેઇન કરી રૂ.63,89,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 2023માં 178 ડમ્પર ડિટેઇન કરાયા છે.
ઉચ્ચ અધિકારીઓ સામાન્ય નાગરિકોને મળતા નથી કે સાંભળતા નથી તેવા આક્ષેપો મુદ્દે આંકડા સાથે જણાવાયું કે, વર્ષ દરમિયાન 3110 અરજદારો સીપી અને એડિશન સીપી તેમજ ત્રણેય ડીસીપીને રૂબરૂ મળ્યા અને તેમણે સાંભળી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. લેખિત રજૂઆતો બાબતે એક્શન લેવામાં આવ્યા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુ દ્વારા અપહર, ફેટલ, છેતરપિંડીની અરજી, રોડ ઉપર દબાણ, દેશી દારૂનું વેચાણ બાબતે રજૂ કરેલા મુદાઓમાં જે-તે ફરિયાદીની અંગત બાબતો કે પ્રશ્ર્ન શું હતો તેની વિસ્તૃત વિગતો મીડિયા માધ્યમ થકી જાહેર કરી હતી. ૨૦૨૩ના વર્ષમાં છોકરા અને છોકરીઓના અપહરણના ૧૪૯ કિસ્સાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જે પૈકી કુલ ૧રર બાળકો (છોકરા-રર, છોકરીઓ-૧૦૦)ને શોધી કાઢી તેમના પરિવારને સોંપ્યા હતા. મોબાઇલ ચોરી અને વાહનચોરી અંગે ઇ-એફઆઇઆર નોંધવામાં ૮૬ ટકાના રેઇટ સાથે રાજકોટ પોલીસ રાજયભરમાં પ્રથમ રહી છે
ઉપરાંત ગત વર્ષમાં દેશી દારૂના 3022 કેસ, વિદેશી દારૂના 728 કેસ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં ડ્રગ્સ મળતા હોવાના આક્ષેપ અંગે પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે, શહેરના મહતમ પોઈન્ટ ઉપર પોલીસે ચેકિંગ કર્યું છે તેમજ ડ્રગ્સના કેસ અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા જેમાં 2023માં પોલીસે એનડીપીસના 28 કેસ કર્યા છે. સાઈબર ક્રાઈમ દ્વારા થતાં નાણાકીય કૌભાંડો બાબતે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવાયું કે વર્ષ દરમિયા પોલીસે રૂ. 5,39,17,391 કરોડ જેટલી રકમ અરજદારને પરત આપવી છે. પ્રેસ કોન્ફરન્સના અંતમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ વિભાગના તથ્યહિન નિવેદનો અને બિન જવાબદારીભર્યા આક્ષેપોનો જવાબ આપવા કાયમ માટે સક્ષમ રહયા છે અને રહેશે.