નીલકંઠવર્ણીનું અપમાન થતા ક્રોધિત હનુમાનજીએ બાવાઓને ધોકાવ્યા હતા
સ્વામિનારાયણ સંલગ્ન સાહિત્યમાં વર્ણવવામાં આવેલા પ્રસંગો
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને દાસ ગણાવતા ભિંતચિત્રના વિરોધ વચ્ચે હવે સ્વામિનારાયણ સંપ્રદાય સંલગ્ન સાહિત્યમાં વર્ણવવામાં આવેલી હિન્દુ દેવી-દેવતાઓની કથાઓનો વિવાદ પણ ચાલુ થયો છે. નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકમાં એક પ્રસંગ છે તે મુજબ પરિભ્રમણ દરમિયાન નીલકંઠ એક ગામના રામજી મંદિરમાં ગયા ત્યારે ત્યાં સ્ત્રીઓ અને પુરુષો સાથે બેસીને રામાયણની કથા સાંભળતા હતા. કથા પૂર્ણ થયા બાદ કેટલીક મહિલાઓ ચરણસ્પર્શ કરવા આવતા નીલકંઠવર્ણી બાજુના ઓરડામાં ચાલ્યા ગયા હતા. તે પછી કેટલીક સ્ત્રીઓ બાવાના હાથ પગ દબાવવા લાગ્યા હતા. એ દ્રશ્ય જોયા બાદ નીલકંઠે બાવાઓને ઠપકો આપ્યો હતો કે તમે રામાયણની કથા કરો છો પણ ધર્મનું પાલન કેમ નથી કરતા? સાધુથી સ્ત્રીઓને ઉપદેશ ન કરાય,સાધુએ સ્ત્રીઓ અને ધનનો ત્યાગ કરવો જોઈએ.
તેમનો આ ઠપકો સાંભળી ગુસ્સે થયેલા બાવાજીએ તેમને ત્યાંથી ભાગી જવા અને નહિતર મારી નાખવાની ધમકી આપી હતી. એ ધમકી સાંભળીને નીલકંઠ અદ્રશ્ય થઈ ગયા. ઓરડાનું બારણું બંધ હોવા છતાં નીલકંઠ કઈ રીતે અદ્રશ્ય થઈ ગયા તેનુ બાવાઓને આશ્ચર્ય થયું. બાદમાં મંદિરની સામે આવેલ વાણિયાના મકાનની ઓસરીમાં નીલકંઠ બેઠા હતા ત્યારે હનુમાનજી
ત્યાં આવ્યા. બાવાઓએ નીલકંઠ ને અપમાનિત કરી અને કાઢી મૂક્યા હોવાની જાણ થતા ગુસ્સે થયેલા હનુમાનજી નીલકંઠ ને પગે લાગી અને મંદિરમાં ગયા અને બાવાઓ તથા તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા. હનુમાનજીએ બાવાઓના હાડકા ખોખરા કરી નાખ્યા. બાવાઓએ પૂછ્યું કે તમે કોણ છો અને અમને વગર વાંકે મારો છો શું કામ? જવાબમાં હનુમાનજીએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે નીલકંઠ બ્રહ્મચારી તો સાક્ષાત ભગવાન છે. તેમને તમે રામચંદ્રજીના મંદિરમાંથી કાઢી કેમ મૂક્યા? જાઓ, તેમને પગે પડીને માફી માગો અને માનપાન સાથે ફરીથી મંદિરમાં પધરાવો નહિતર આજે તમને બધાને પૂરા કરી નાખીશ. એ પછી બાવાઓ નીલકંઠને પગે લાગ્યા અને કહ્યું કે અમે તમને ઓળખી ન શક્યા. તમે તો સાક્ષાત રામચંદ્રજીનો અવતાર છો. અમે આજથી સ્ત્રીને ઉપદેશ નહીં આપીએ અને તમે કહેશો એમ કરીશું પણ અમને આ સેવક હનુમાનજી પાસેથી છોડાવો. આ સાંભળીને નીલકંઠે બાવાઓને માફ કર્યા અને હનુમાનજીને ઈશારો કરી આકાશ માર્ગે વિદાય કર્યા.
બ્રહ્મા વિષ્ણુ મહેશ સૂર્ય ચંદ્ર બધા જ નીલકંઠ ને પૂજતા
સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંલગ્ન પુસ્તકોમાં અનેક કથાઓ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી એ ત્રણેય દેવ ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવતા અને તેમનું સ્તુતિ ગાન કરતા તેવા ઉલ્લેખ છે. શિવજી છપૈયાની ભૂમિ ઉપર આળોટિયા હતા. બ્રહ્માજીએ એક વખત સાષ્ટાંગ દડવંત પ્રણામ કરી અને સ્વામીની માફી માગી હતી તેવી પણ એક વાર્તા છે. સ્વામીની બાળલીલા જોવા માટે લક્ષ્મીજી આવ્યા હતા અને મહારાજને પગે લાગ્યા હતા. સૂર્યનારાયણએ પોતાને પ્રકાશ શ્રીજી મહારાજની ઉપાસનાને કારણે મળ્યો હોવાનું કહ્યું હતું. ચંદ્રએ રોહિણી અને 27 પત્નીઓ સાથે આવી અને બાળ પ્રભુનું પૂજન કર્યું હતું. આવા અનેક પ્રસંગો આ પુસ્તકોમાં વાચવા મળે છે.