જૂની કલેકટર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી માટે વધારાનું કાઉન્ટર શરૂ કરાશે
ઝોનલ-1 કચેરીમાં કાયમી ઉમટતી ભીડને પગલે લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાશે
રાજકોટ પૂર્વના વિસ્તારના નાગરિકો માટે જૂની કલેકટર કચેરી ખાતે રેશનકાર્ડની કામગીરી માટે શરૂ કરાયેલ ઝોનલ-1 કચેરીમાં કાયમી અરજદારોની ભીડ રહેતી હોય છે અને તેમાં પણ બુધવારે વિશેષ ટ્રાફિક રહેતો હોય બેકાબુ ભીડ઼ને કાબુમાં લેવા બુધવારે પોલીસ બોલાવવી પડતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઝોનલ-1 કચેરી ખાતે વધારાનું કાઉન્ટર શરુ કરવા નિર્દેશ આપી આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને વ્યવસ્થા ગોઠવવા માટે સ્થળ તપાસમાં મોકલવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
રાજકોટના પૂર્વ વિસ્તાર માટે રેશનકાર્ડના સુધારા-વધારા અને નવા રેશનકાર્ડની કામગીરી માટે જૂની કલેકટર કચેરી ખાતે કાર્યરત ઝોનલ-1 કચેરીમાં ગત બુધવારે બેકાબુ ભીડને કાબુમાં લેવા પોલીસને બોલાવી પડી હતી. આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે,રેશનકાર્ડની કામગીરી માટે આવતા નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂર પડ્યે વધારાનું કાઉન્ટર શરૂ કરવા તેમજ અન્ય આનુસંગિક વ્યવસ્થા માટે જિલ્લા પુરવઠા અધિકારી તેમજ અધિક કલેક્ટરને સ્થળ વિઝીટ કરાવી મુશ્કેલી હલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.