કોન તુજે યૂં પ્યાર કરેગા…મંગળવારે રાજકોટને ડોલાવશે અમાલ-નિકિતા
ડી.એચ.કોલેજમાં રાત્રે ૮:૩૦ વાગ્યાથી મહાપાલિકાની મ્યુઝિકલ નાઈટ: યુવાધનને ઘેલું લગાડનાર બન્ને ગાયકોને સાંભળવા માટે ઉમટી પડવા હાકલ
બોલિવૂડમાં એક એકથી ચડિયાતા તેમજ યુવાધનને કંઠસ્થ થઈ જાય તેવા ગીત ગાનારા બે ગાયક કલાકારો મંગળવારે રાજકોટને ડોલાવવા માટે આવી રહ્યા છે. તા.૧૯ને મંગળવારે મહાપાલિકાનો ૫૧મો સ્થાપના દિવસ હોય દર વર્ષની માફક આ વર્ષે પણ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે બોલિવૂડના પ્રખ્યાત સિંગર અનુ મલિકના પુત્ર અમાલ મલિક અને નિકિતા ગાંધીની મ્યુઝિકલ નાઈટનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
આ અંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈન્ચાર્જ મ્યુ.કમિશનર પ્રભવ જોષી સહિતનાએ જણાવ્યું કે તા.૧૯ને મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્યાથી ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડમાં બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી દ્વારા બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બન્ને કલાકારો દ્વારા બોલિવૂડના જોરદાર ગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર લોકોને મેયર એવોર્ડથી નવાજવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ઉમટી પડવા માટે મહાપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
અમાલ મલિકના યાદગાર ગીત
- જબ તક તુજે પ્યાર સે…
- મેં હું હિરો તેરા…
- સોચ ના શકે…
- બોલ દો ના જરા દિલ મેં જો હે છૂપા…
- કોન તૂજે યૂં પ્યાર કરેગા…
- મેં રહું યા ના રહું તુ મુજ મેં કહી બાકી રહેના…
નિકિતા ગાંધીના ગીતો
- તેરે પ્યાર મેં…
- રાબતા…
- કાફિરાના…
- જુગનું…