સિવિલમાં દવાનો સ્ટોક હોવા છતાં દર્દીઓને બહારથી ખરીદવા કરાય છે મજબૂર
હાડકા-સ્નાયુના દુખાવા અને માંસપેશીઓ માટેની અપાતી દવાનો સ્ટોક પડ્યો હોવા છતાં દવાબારીથી સ્ટાફનો નનૈયો
સ્ટોર રૂમ અને દવા બારીના સ્ટાફ વચ્ચે સંકલનનો અભાવ કે હોસ્પિટલમાં આવેલા ખાનગી મેડિકલને ખટાવવાનો ખેલ: તબીબી અધિક્ષકે તપાસ કરવી જરૂરી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી દવામાં ગંદો ખેલ રમાતો હોવાનું સામે આવ્યું છે.ઓર્થોપેડિક વિભાગમાં તબીબો દ્વારા હાડકા અને સ્નાયુના દુખાવવા માટે,માંસપેશીઓ માટે તેમજ વિટામિન માટે આપવામાં આવતી દવાનો સ્ટોક સ્ટોર રૂમમાં પડ્યો હોવા છતાં દવા બારી પરથી દર્દીઓને આપવામાં આવતી નથી.અને તે દવા બહારથી લઇ લેજો તેવું સ્ટાફ દ્વારા જણાવવામાં આવે છે. જેથી દવાનો સ્ટોક પડ્યો હોવા છતાં પણ દર્દીઓને ન આપી આમાં ભૂંડી ભૂમિકા કોણ ભજવી રહ્યું છે.તે મોટો સવાલ છે.
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે.ત્યારે વધુ એક વિવાદ હોસ્પિટલમાં સામે આવ્યો છે.જેમાં દવા માટે દર્દીઓના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યા છે.હોસ્પિટલના સ્ટોરરૂમમાં ઢગલો એક દવાઓ પડી હોવા છતાં દર્દીઓને દવાબારી પરથી સ્ટાફ દ્વારા દવા નહીં હોવાનું કહી બહારથી લઈ લેવાનું જણાવવામાં આવે છે. ત્યારે આ મામલે વોઇસ ઓફ ડેની ટીમે દ્વારા સ્ટિગ ઓપરેશન કરવામાં આવ્યું હતું.જેમાં ઓર્થોપેડિક (હાડકા) વિભાગમાં એક દર્દીને સારવાર આપવામાં આવી હતી. અને તબીબ દ્વારા તેને ૬ પ્રકારની દવા લખી દેવામાં આવી હતી.આ દવાઓ હાડકા અને સ્નાયુના દુખાવવા માટે,માંસપેશીઓ માટે તેમજ વિટામિન માટેની હતી.પ્રથમ દર્દી દ્વારા આ દવા લેવા માટે નિયમ મુજબ લાઇનમાં રહીને દવા લેવામાં આવી હતી.
જેમાં દવા બારી પર બેઠેલા સ્ટાફે તેમની ફરજ મુજબ બે પ્રકારની ટેબલેટ આપવામાં આવી હતી. અને ત્રણ પ્રકારની ટેબલેટ સ્ટોકમાં ન હોવાનું જણાવી તે દવાના નામ પર ચોકડી મારી આ દવા બહારથી લઇ લેવાનું જણાવ્યું હતું.પરંતુ આ મામલે વોઇસ ઓફ ડેની ટીમે દવા સ્ટોરરૂમના ઇન્ચાર્જ ડો.નથવાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેમની પાસે રૂબરૂ જઈ આ દવા સ્ટોકમાં પડી છે. કે કેમ ? પૂછતાં ડો.નથવાણીએ દવા પડી હોવાનું જણાવ્યું હતું. અને બાદમાં સ્ટાફને કહી સ્ટોર રૂમમાંથી દવા અપાવવામાં આવી હતી.
જેથી સ્ટોર રૂમમાં દવા પડી હોવાથી છતાં પણ કેમ તેને દવા બારી પર રાખવામાં આવી નથી રહી અને તબીબોને કેમ આપવામાં આવી નથી રહી તે મોટો પ્રશ્ન છે.શુ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરના ખિસ્સા ભરવા માટે આ પ્રકારનો ગંદો ખેલ દવા બારીના ઇન્ચાર્જ અને સ્ટોરરૂમના ઇન્ચાર્જ દ્વારા રમવામાં આવી રહ્યો છે.કે આ દવાનું ક્યાંક બીજી જગ્યાએ સેટિગ પાડીને ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જો આ મામલે તબીબી અધિક્ષક દ્વારા તપાસ કરી પગલાં લેવામાં આવે તો આ પ્રકારનો રમાતો ગંદો ખેલ બંધ થઈ શકે તેમ છે. અને દર્દીઓને હોસ્પિટલમાંથી જ વિનામૂલ્યે દવા મળી શકે તેમ છે.
દવા બારીએથી સ્ટોકમાં નહીં હોવાનું કહેલી દવા મેડિસિન સ્ટોરના ઇન્ચાર્જ ડો. નથવાણીએ સ્ટોરરૂમમાંથી જ કાઢીને આપી
ઓર્થોપેડિક (હાડકા) વિભાગમાં એક દર્દીને સારવાર આપવામાં આવી હતી.અને તેને ૬ પ્રકારની દવાઓ લખી દેવામાં આવી હતી. દર્દી દ્વારા આ દવા બારી લેવા માટે જતાં ત્યાં તેમણે માત્ર બે પ્રકારની દવા આપવામાં આવી હતી.અને બાકીની બહાર મેડિકલમાંથી લઇ લેવાનું જણાવ્યું હતું. જેથી આ મામલે વોઇસ ઓફ ડેની ટીમે મેડિસિન સ્ટોરના ઇન્ચાર્જ ડો.નથવાણીનો સંપર્ક કરી તેમણે આ દવા બતાવી સ્ટોકમાં પડી છે કે કેમ ? પૂછતાં દવા પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું અને સ્ટાફને કહી દવા સ્ટોર રૂમમાંથી કાઢી દેવામાં આવી હતી. જેથી તે ટેબલેટ સ્ટોકમાં ન હોવાનું કહેવામાં આવ્યું તેજ ટેબલેટ સ્ટોર રૂમમાંથી મળી આવતા આ દવાના ખેલમાં કોઈની ભૂંડી ભૂમિકા હોવાનું માલૂમ થઈ રહ્યું છે. અને આ બાબતની વાત ડો.નથવાણીને કરતાં પોતે આ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું.