રાજકોટમાં ગાયો ના નામે નાણા એકત્ર કરી ગેરરીતી આચરાયાનો આરોપ : જુઓ વિડિયો
અમે દર મહિને ૨૦ લાખની જ ગ્રાન્ટ આપીએ છીએ: મહાપાલિકા
ઢોરડબ્બામાં દરરોજ પાંચથી દસ પશુના મોત થઈ રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી-રાજપૂત
ટ્રસ્ટના ઢોરડબ્બામાં ઘણા પશુઓ બીમાર હોવાથી મૃત્યુ થવા સ્વાભાવિક, દરરોજ ચારના મોત થાય છે-મહાપાલિકા
કોઠારિયા રોડ પર ખોખડદડ ગામ નજીક આવેલા જીવદયા ટ્રસ્ટના ઢોરડબ્બામાં દરરોજ પાંચથી દસ પશુઓના મૃત્યુ થઈ રહ્યા હોવા તેમજ ટ્રસ્ટને દરરોજ મહાપાલિકા તરફથી ૨ લાખની ગ્રાન્ટ મળી રહ્યા હોવા છતાં વ્યવસ્થા કરવામાં ઉણું ઉતરી રહ્યાનો સણસણતો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત દ્વારા કરવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. મહેશ રાજપૂત દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવાયું હતું કે આ ટ્રસ્ટનું સંચાલન રાજેન્દ્ર શાહને સોંપવામાં આવ્યું છે જેના દ્વારા દર મહિને ૬૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ તંત્ર પાસેથી મેળવવામાં આવે છે પરંતુ અહીં ઢોર માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. અહીં મહાપાલિકા દ્વારા ક્યારેય સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં ન આવતું હોવાથી ટ્રસ્ટને ગેરરીતિ આચરવા માટે મોકળું મેદાન મળી રહ્યું છે. મહાપાલિકા પાસેથી ગ્રાન્ટ મેળવવા ઉપરાંત ટ્રસ્ટ દ્વારા મહિને તગડું દાન પણ મેળવવામાં આવે છે પરંતુ ઢોરડબ્બામાં વ્યવસ્થાના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
બીજી બાજુ મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ભાવેશ જાકાસણિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટને દર મહિને મહાપાલિકા તરફથી ૨૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. એક ઢોર દીઠ સરેરાશ ૪૨.૫૦ રૂપિયા ટ્રસ્ટને ચૂકવાય છે અને એ પ્રમાણે અત્યારે ૧૫૬૩ ઢોર ત્યાં રાખવામાં આવ્યા છે. ટ્રસ્ટને મનપા ૬૦ લાખ રૂપિયા ગ્રાન્ટ ચૂકવતી હોવાની વાત પાયાવિહોણી છે. ઢોરના મોત અંગે તેમણે કહ્યું કે ઢોરડબ્બામાં ઘણા પશુઓ બીમાર હોવાથી તેમના મૃત્યુ થવા સ્વાભાવિક છે. એકંદરે દરરોજ ચારેક જેટલા ઢોરના મોત થઈ રહ્યા છે તેના પાછળ અનેક કારણો પણ જવાબદાર છે કેમ કે ઢોરડબ્બામાં મોટાભાગે તરછોડાયેલા અથવા તો રખડતાં ઢોરને મુકવામાં આવે છે. આ એવા ઢોર હોય છે જેમણે એંઠવાડ અથવા તો પ્લાસ્ટિક જ ખાધેલું હોય છે !
સત્ય શું છે ? રાજેન્દ્ર શાહને `ખુલાસો’ કરવામાં રસ જ નથી !
પોતાના ટ્રસ્ટ ઉપર એક નહીં બલ્કે અનેક આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હવે તો કોંગ્રેસ દ્વારા નાણાકીય ગરબડ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવા છતાં આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્ર શાહને રસ જ ન હોય તેવી રીતે તેમણે પોતાનો ફોન ઉપાડવાનું જ ટાળ્યું હતું જેના કારણે કશીક ગરબડ હોવાની આશંકા ઉપસ્થિત થયા વગર રહેતી નથી !