કેદારનાથમાં ફસાયેલા રાજકોટના સાતેય યુવાનો હેમખેમ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે સુપેરે કામગીરી કરી તમામ યુવાનોનુ પરિવાર સાથે મિલન કરાવ્યું
ભારે વરસાદ અને વાદળ ફાટવાથી કેદારનાથ યાત્રાએ ગયેલા રાજકોટ જિલ્લાના સાત યુવાનો ફસાયા હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્ય સરકારની મદદથી ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં રહી તમામને સહીસલામત હેમખેમ ઉગારી લીધા હોવાનું અને હાલમાં તમામ યાત્રિકોનો પરિવાર સાથે સુખદ સંપર્ક થઇ જતા તંત્ર અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે કેદારનાથમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના વતની પારસભાઈ દોંગા, અંકિત ગોયાણી, રાજકોટના કલ્પેશભાઈ સંચણિયા,જીગ્નેશ ભાઈ સંચણિયા, યતીન ભાઈ મકવાણા, કમલેશ ભારદીયા અને ગોંડલના કેતન રાણપરા કેદારનાથયાત્રાએ ગયા બાદ ગત તા.31થી તેઓનો સંપર્ક થઇ શકતો ન હોવાનું તેમના સંબંધી હાર્દિકભાઈ ભટ્ટીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં જાણ કરતાં આ મામલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં રહી તમામ યુવાનોને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા. હાલમાં તમામ યુવાનોનો તેમના પરિવાર સાથે સંપર્ક થઇ જતા તંત્ર અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
