એરપોર્ટ કે બસ સ્ટેન્ડ ? સળંગ ત્રીજા દિવસે બબ્બે ફ્લાઈટ મોડી !
ઈન્ડિગોની દિલ્હીની ફ્લાઈટ ૩૦ મિનિટ અને એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ ૪૫ મિનિટ લેટ: અનેક મુસાફરો કનેક્ટિંગ ફ્લાઈટ ચૂક્યા
બસ સ્ટેન્ડ પર દરરોજ બસ મોડી આવવાનો સિલસિલો ચાલ્યો આવે છે જે કદાચ ક્યારેય પૂરો થવાનો નથી. જો કે આવી જ સ્થિતિ અત્યારે આંતરરાષ્ટ્રીય (હાલ કાગળ ઉપર જ) એરપોર્ટ ઉપર પણ પ્રવર્તવા લાગી હોય તેવી રીતે દરરોજ એકાદ-બે ફ્લાઈટ મોડી પડી રહી છે. સળંગ ત્રીજા દિવસે બબ્બે ફ્લાઈટ મોડી પડતાં મુસાફરો હેરાન-પરેશાન થઈ જવા પામ્યા હતા.
ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ નં.૬ઈ-૫૦૨૧ કે જે ૫:૫૫ વાગ્યે રાજકોટથી દિલ્હી જવા માટે ઉડાન ભરવાની હતી તે ૬:૨૫ વાગ્યે ઉડી હતી. આમ આ ફ્લાઈટ ૩૦ મિનિટ લેટ ઉડી હતી. આ જ રીતે એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ નં.૪૦૪ રાત્રે ૮ વાગ્યે ઉડાન ભરવાની હતી પરંતુ તે પણ ૪૫ મિનિટ મોડી એટલે કે ૮:૪૫ વાગ્યે ટેકઓફ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ બેસી રહેવું પડ્યું હતું સાથે સાથે દિલ્હીની અન્ય રાજ્ય કે દેશની કનેક્ટિંગ ફ્લાઈટ લેનારા મુસાફરોએ તેમની ફ્લાઈટ ચૂકવી જવાનો વખત આવ્યો હતો.