બસ-ટે્ન છે કે પ્લેન ? એર ઈન્ડિયાની ફ્લાઈટ ૬ કલાક મોડી પડતાં મુસાફરોનો દેકારો
ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત બીજા સપ્તાહે ફ્લાઈટના ધાંધિયા: ૮:૪૫ વાગ્યે આવનારી મુંબઈની ફ્લાઈટ ૨:૪૫એ આવી’ને ૩:૧૫ આસપાસ રવાના થતાં પેસેન્જરોની માઠી
સામાન્ય રીતે રાજકોટમાં બસ અને ટે્ન મોડા પડતાં હોય છે અને હવે તો મુસાફરો પણ તેનાથી ટેવાઈ ગયા છે પરંતુ હવે તો દર સપ્તાહે ફ્લાઈટ મોડી પડવા લાગતાં મુસાફરો પ્લેનની તુલના બસ-ટે્રન સાથે કરવા લાગ્યા છે ! પાછલા સપ્તાહે ઈન્ડિગોનું પ્લેન રાજકોટમાં બગડી ગયાની ઘટના હજુ તાજી જ છે ત્યાં આ સપ્તાહે એર ઈન્ડિયાની ફ્લાઈટ છ-છ કલાક મોડી પડતાં મુસાફરોએ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દેકારો બોલાવી દીધો હતો.
ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ ફ્લાઈટસની આવન-જાવનમાં સુગમતા અને સમયબદ્ધતા રહેશે તેવું સૌ કોઈને લાગી રહ્યું હતું પરંતુ એક પછી એક ફ્લાઈટ મોડી પડવા લાગતાં આ આશા ઠગારી નિવડી રહી હોય તેવું સૌ માની રહ્યા છે. જાણવા મળેલી વિગતો પ્રમાણે એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે ૮:૪૫ વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચવાની હતી જેના કારણે મુંબઈ તેમજ મુંબઈથી અન્ય રાજ્ય-દેશમાં જનારા મુસાફરો સાત વાગ્યાથી જ એરપોર્ટ પહોંચી ગયા હતા. જો કે ૮:૪૫ના ૯:૪૫ થયા છતાં ફ્લાઈટ નહીં આવતાં મુસાફરોએ એરલાઈન્સના જવાબદાર અધિકારીઓનો ઉધડો લેવાનું શરૂ કરતાં તેણે પણ ત્યાંથી મુઠ્ઠીઓ વાળી હતી મતલબ કે મુસાફરોને સરખો જવાબ આપ્યો ન્હોતો.
એકંદરે ૮:૪૫એ આવનારી ફ્લાઈટ ૬ કલાક મોડી એટલે કે ૨:૪૫ વાગ્યે રાજકોટ આવીને છેક ૩:૧૫ વાગ્યા આસપાસ રાજકોટથી ઉડાન ભરતા અનેક મુસાફરો અકળાઈ ઉઠ્યા હતા. આટલું ઓછું હોય તેમ મુંબઈથી અન્ય દેશ-રાજ્યમાં જનારી કનેક્ટિંગ ફ્લાઈટ પણ ચૂકવાનો વખત આવ્યો હતો.