ઘઉં, ચોખા બાદ હવે કઠોળ-દાળમાં સ્ટોક મર્યાદાના સંકેત
જિલ્લા પુરવઠા વિભાગે તમામ દાળ કઠોળના વેપારી, મોલ સંચાલકોને દર શુક્રવારે સ્ટોક જાહેર કરવા આદેશ કર્યો
રાજકોટ : સંગ્રહખોરી અને સટ્ટાખોરીને રોકવા માટે હાલમાં ઘઉં અને ચોખામાં સ્ટોક લિમિટ લાગુ છે તે મુજબ કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકારે તુવેર. અડદની દાળ અને કઠોળ ઉપર સ્ટોક મર્યાદા લાદવના સંકેત આપી જિલ્લાના તમામ જથ્થાબંધ વિક્રેતાઓ, છૂટક વિક્રેતાઓ, મોટા ચેઇન રિટેલર્સ, મિલરો અને આયાતકારોને દર શુક્રવારે ઉપલબ્ધ સ્ટોક આપવાની સાથે જ બે દિવસમાં જીએસટી નંબર, પેઢીની વિગતો આપવા આદેશ કર્યો છે.
આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો ઉપર નિયંત્રણ રાખવા કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકારના અન્નન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આદેશને પગલે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકરી દ્વારા જિલ્લામાં આવેલ તમામ કઠોળ અને તુવેર, અડદદાળના વેપારીઓને તાત્કાલિક અસરથી બે દિવસમાં પેઢીની વિગત ભાગીદારી પેઢી હોય તો ભાગીદારોની વિગત, જીએસટી નંબર, સહિતની વિગતો રજૂ કરવા આદેશ કરી દર શુક્રવારે ઉપલબ્ધ સ્ટોકની વિગતો જાહેર કરવા આદેશ કર્યો છે.
સાથે જ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ જથ્થાબંધ વિક્રેતાઓ, છૂટક વિક્રેતાઓ, મોટા ચેઇન રિટેલર્સ, મિલરો અને આયાતકારોને સરકારના http://fcainfoweb.in/psp ઉપર ફરજીયાત પણે રજીસ્ટ્રેશન કરાવવા પણ આદેશ કરતા આગામી ટૂંક સમયમાં જ કઠોળ અને તુવેરદાળ સહિતની જણસીઓ ઉપર સ્ટોક મર્યાદા લાગુ થાય તેવા સંકેત મળી રહ્યા છે.ઉલ્લખનીય છે કે, આ અગાઉ વર્ષ 2023માં સરકાર દ્વારા સ્ટોક નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું હતું.