ઘઉં, કઠોળ બાદ ચોખામાં પણ સ્ટોક નિયત્રણ અમલી, પુરવઠા વિભાગ દોડ્યો
રાજકોટ જિલ્લામા કેટલા રિટેઇલર, હોલસેલર, સ્ટોકિસ્ટની યાદી આપવા તાકીદ
કેન્દ્ર સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓમા મોંઘવારી ઘટાડવા માટે આકરુ પગલું
કાળઝાળ મોંઘવારીને કાબુમા લેવા કેન્દ્ર સરકારે ઘઉં, કઠોળ, તુવેરદાળ બાદ હવે ચોખા ઉપર સ્ટોક નિયત્રણ અમલી બનાવ્યુ છે, સત્તાવાર રીતે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ સહિતના તમામ જિલ્લાના પુરવઠા અધિકારીઓને ચોખાના રિટેઇલર, હોલસેલર, સ્ટોકિસ્ટ કેટલા છે તેની તમામ વિગતો મેળવવા આદેશ કરી તમામ વેપારીઓ માટે રજિસ્ટે્રશન ફરજીયાત બનાવ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારે ૩જી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ચોખા અને ડાગર માટે સ્ટોક લિમિટ ફરજિયાત બનાવી છે. જેને પગલે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા પુરવઠા અધિકારીઓને તેમના જિલ્લામા આવેલા ચોખાના રિટેઇલર, હોલસેલર, સ્ટોકિસ્ટ અને ચોખાનો મોટાપ્રમાણમાં ઉપયોગ કરતા ઉદ્યોગગૃહોની માહિતી એકત્ર કરવા આદેશ જારી કર્યાનુ જાણવા મળે છે. વધુમા ચોખામાં સ્ટોક લિમિટ અમલી બન્યા બાદ વેપારીઓને દર શુક્રવારે સરકારી પોર્ટલ પર સ્ટોકની વિગતો અપલોડ કરવાની રહેશે. ચોખાના ભાવ અંકુશમાં લેવા સરકારે ‘ભારત’ બ્રાન્ડ હેઠળ ૨૯ રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ચોખાનુ વેચાણ શરૂ કરવાનુ પણ જાહેર કર્યાનુ સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધો હોવા છતા, છેલ્લા એક વર્ષમા ચોખાના છૂટક ભાવમા ૧૪.૫% અને જથ્થાબધ ભાવમા ૧૫.૫% વધારો થયો છે. સાથે જ કેન્દ્ર સરકારે નિકાસ નિયંત્રણો હટાવવાની તમામ અટકળોને પણ ફગાવી દઈ બાસમતી, બિન-બાસમતી સફેદ ચોખા અને ડાગર જેવી કેટેગરીમા સ્ટોક લિમિટ અમલી બનાવી ચોખાના સ્ટોકની સ્થિતિ દર સાત દિવસની અદર જાહેર કરવા પડશે.