કલેકટર કચેરીમાં તહેવારો બાદ હવે મહેસુલ અપીલ બોર્ડના કેસોની સુનાવણી
દર બુધવારે મળતી બોર્ડની બેઠક આગામી સપ્તાહમાં પણ નહીં મળે, અરજદારોના કેસ પેન્ડિંગ રહેશે
બુધવારે રક્ષાબંધનની જાહેર રજા હોવાથી હજુપણ આગામી બુધવાર બાદ મહેસુલ અપીલ બોર્ડની બેઠક મળવાની શક્યતા નથી
સપ્ટેમ્બરના પ્રારંભથી જ રાજકોટ કલેકટર કચેરી “મેળામય” બની જશે, કામગીરી ઉપર અસર પડશે
રાજકોટ કલેકટર કચેરીમાં દર બુધવારે મળતી મહેસુલ અપીલ બોર્ડની બેઠક રક્ષાબંધનના તહેવારની જાહેર રજા ના પગલે હવે આગામી સપ્તાહ ઉપર મુદત પડવાની સંભાવના પ્રબળ બની ગઈ છે. તો બીજી તરફ આગામી શબ્દમાં જન્માષ્ટમીના તહેવારો તેમજ કલેક્ટર તંત્ર મેળામાં વ્યસ્ત હોવાથી આગામી બુધવારે પણ મહેસુલ અપીલ બોર્ડની બેઠક મળવાની શક્યતા નહિવત છે.
રજાનો માહોલ અને તહેવારોના પગલે મોટાભાગના લોકો ફરવા ઉપડી જતા હોય છે આવા સંજોગોમાં જન્માષ્ટમીના તહેવારોની રજા તેમજ તારીખ 5 થી 9 સપ્ટેમ્બરના રોજ લોક મેળો શરૂ હોય હવે સાતમ આઠમના તહેવારો બાદ જ મહેસુલી અપીલ બોર્ડની કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી બુધવારે પણ બેઠક મળવાની કોઈ સંભાવના નથી. તહેવારો બાદ એટલે કે તારીખ 10 સપ્ટેમ્બર પછી વિવિધ બેઠકો મળશે. જોકે તારીખ 5 ના રોજ લોકમેળાનો પ્રારંભ થઈ જાય છે રાંધણ છઠ અને સાતમના તહેવારો આગામી સપ્તાહમાં મંગળવારે અને બુધવારે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા પણ મહેસુલી અપીલ બોર્ડ સહિતની મહત્વની અન્ય બેઠકો લોકમેળાના પગલે મળવાની શક્યતા દેખાતી નથી. જેથી વહીવટી કામગીરી ઉપર મેળાના પગલે સામાન્ય અસર જોવા મળશે.