નકલી લેખ-દસ્તાવેજ બાદ હવે મામલતદારનો નકલી હુકમ
રાજકોટ શહેરની આજુબાજુના ગામોમાં વાડાના નામે સરકારી જમીન હડપ કરવા ખેલ
મવડી સર્વે નંબર 194માં માલઢોરના વાડા માટે 1 એકર 26 ગુંઠા જમીન ફાળવવા નકલી હુકમ ફરતો
રાજકોટ : જમીન કૌભાંડ માટે જાણીતા રાજકોટ શહેરમાં નકલી રાજાશાહી સમયના લેખ, બોગસ દસ્તાવેજ, નકલી યુએલસીના પ્રમાણપત્ર ફરતા થયા બાદ હવે કિંમતી સરકારી જમીન હડપ કરવા માટે વાડાની જમીનના નામે રાજકોટ તાલુકા મામલતદારના નામે બોગસ હુકમ બનાવી આ જ હુકમના આધારે ખરી નકલ માંગવા તેમજ સરકારી જમીન પોતાના નામે કરવા રાવળા હક્કના નામે અરજીઓ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જો કે, મહેસુલી તંત્ર આવા કૌભાંડોમાં મૂળ સુધી પહોંચવાને બદલે આંખ આડા કાન કરી રહ્યું હોય જમીન કૌભાંડિયા તત્વો બેફામ બની લગત કચેરીઓમાં જ પડયા પાથર્યા રહી સરકારી કાગળો-કોમ્પ્યુટરના આધારે કાંડ કરી કચેરીના સિક્કાઓ પણ બેખોફ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ સહિત રાજ્યભરમાં માલઢોર અને ખેતી માટે આગાઉ વાડાની જમીન આપવામાં આવતી હતી જે તમામ જમીનોની નોંધ વાડા રજીસ્ટરમાં કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે વાડાની આવી જમીનો 1000 મીટર કે 1500 મીટર સુધીની જ હોય છે. પરંતુ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં મવડીના એક રહીશ દ્વારા છેલ્લા 45 કરતા વધુ સમયથી રેવન્યુ સર્વે નંબર 194ની 1 એકર અને 26 ગુંઠા જમીન પોતાના બાપદાદાના સમયથી વાડા માટે ઉપયોગ કરી રહયા હોય આવી જમીન પોતાના નામે રાવળા હક્ક મુજબ કરી આપવા માંગણી કરી સરકારીતંત્રની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી જમીન હડપ કરવાના સ્પષ્ટ ઉદેશ્ય સાથે કરાયેલ આ અરજીમાં અરજદાર દ્વારા રાજકોટ તાલુકા મામલતદારની સહી અને સિક્કા વાળો વર્ષ 2005નો હુકમ પણ જોડવામાં આવ્યો છે જેમાં મહેસુલ વિભાગના પરિપત્ર મુજબ મામલતદાર દ્વારા મવડી સર્વે નંબર 194ની 1 એકર અને 26 ગુંઠા જમીન નામે કરી આપવા હુકમ કરવામાં આવ્યો હોવાના કાગળો પણ રજૂ કરવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે જ પ્રથમ દ્રષ્ટિએ નકલી જણાતો હુકમ રાજકોટ તાલુકા અને દક્ષિણ મામલતદાર કચેરીમાં અનેક વખત રજૂ કરી આ હુકમની નકલ પણ માંગવામાં આવી હોવા છતાં જવાબદાર અધિકારી દ્વારા આ નકલી જણાતા હુકમની તપાસ કરવા તસ્દી લેવામાં આવીનથી નથી.
બીજી તરફ મવડીની જેમ જ રાજકોટ શહેરના માધાપર, ઘંટેશ્વર, બેદી, ગૌરીદળ, કોઠારીયા, લોધીકા તાલુકાના પાળ, સહિતના શહેરની નજીકના ગામડાઓમાં પણ વાડાના નામે સરકારી જમીન હડપ કરવા માટે વ્યવસ્થિત કારસ્તાન ચાલી રહ્યું છે ત્યારે લગત મામલતદાર તેમજ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા આવા પ્રકરણોની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવવાની સાથે નકલી હુકમો બનાવનારો કૌભાંડી તત્વો પણ ખુલ્લા પડી શકે.