૧૦ દિ’ પછી આધારકાર્ડની બધી કામગીરી વોર્ડઓફિસે પણ થશે
આધાર માટે નહીં રહેવું પડે `નિરાધાર’: ત્રણેય ઝોનલ કચેરીએ પણ કામગીરી ચાલું જ રહેશે
બજેટમાં કરાયેલી જાહેરાતનો ૧ એપ્રિલથી અમલ શરૂ
રાજકોટમાં આધાર કાર્ડની કામગીરી કરાવવા માટે દરરોજ સવારથી બપોર સુધી મહાપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી પર મોટી સંખ્યામાં લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બની રહ્યા હતા. આ અંગે વારંવાર રજૂઆતો-ફરિયાદો કર્યા બાદ આખરે મનપાના બજેટમાં આધારની સઘળી કામગીરી ઝોનલ કચેરી ઉપરાંત અઢારેય વોર્ડની વોર્ડ ઓફિસ ઉપર કરવાની જાહેરાત કરાયા બાદ હવે ૧ એપ્રિલથી આ જાહેરાતનો અમલ પણ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ અંગેનો પરિપત્ર પ્રસિદ્ધ કરી અઢારેય વોર્ડમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરાવવા માટેની વ્યવસ્થા કરવા અલગ-અલગ શાખાને જવાબદારી સોંપી છે. વોર્ડ ઓફિસે આધારકેન્દ્ર શરૂ થયા બાદ પણ ત્રણેય ઝોનલ કચેરીએ પણ આ કામગીરી ચાલું રહેશે જેથી સરળતાથી લોકો પોતાનું આધાર લગત કામ કરાવી શકશે.
વોર્ડ નં.૧માં રામાપીર ચોકડી પાસે કેશિયરવાળા રૂમ, વોર્ડ નં.૨માં ગીતગુર્જરી સોસાયટી, ટેક્સ ઈન્સ્પેક્ટર સામેનો રૂમ, વોર્ડ નં.૩માં સાધુ વાસવાણી કુંજ રોડ, આસ્થા ચોક પાસે આવેલી વોર્ડ ઓફિસમાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની બાજુનો રૂમ સહિત દરેક વોર્ડ ઓફિસે આધાર કાર્ડની સઘળી કામગીરી શરૂ કરી દેવામાં આવશે.