દૂધ, ઘી, જાંબુ અને માવામાં મિલાવટ, નમૂના ફેઈલ
દૂધ સહિતની આઇટમોમાં વેજીટેબલ ઓઈલની મિલાવટ ખુલ્લી પડી
નાગેશ્વરની જય ખોડિયાર ડેરી, સન સીટી હેવન, શ્રદ્ધા ગુલાબ જાંબુ અને પટેલ સ્વીટ સામે થશે કાર્યવાહી
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શુક્રવારે સોરઠિયાવાડી સર્કલ, પેડક અને આંબેડકર નગર સહિતના વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું સાથે જ અગાઉ લેવામાં આવેલ દૂધ, ઘી, જાંબુ અને માવાના નમૂના પૃથ્થકરણ અંતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ તમામ ખાદ્યપદાર્થમાઁ વેજીટેબલ ફેટની મિલાવટ હોવાનું સામે આવતા ચાર પેઢીઓ વિરુદ્ધ મહાનગર પાલિકા દ્વારા એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફિસરના જણાવ્યા મુજબ ફૂડ વિભાગ દ્વારા “જય ખોડિયાર ડેરી ફાર્મ”, જૈનમ એપાર્ટમેન્ટ શોપ નં.B.4, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ, ખાતેથી લેવામાં આવેલ મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની ભેળસેળ મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.એ જ રીતે “સન સીટી હેવન”, વિંગ સી-101, રૈયાધાર, ઓમકારેશ્વર મંદિર પાસે, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં આયોડિન વેલ્યૂ, સેપોનીફિકેશન વેલ્યૂ, BR રીડિંગ, રિચડ વેલ્યૂ નિયત માત્રથી અલગ હોવાથી તથા વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ હતો.
વધુમાં શ્રધ્ધા ગુલાબ જાંબુ સાઈ કૃપા,શિવ હોટેલ પાસે, મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના પાસે મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મોળો માવો (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ RM વેલ્યૂ નિયત માત્રથી અલગ તથા ફોરેન ફેટની (વેજીટેબલ ફેટ) ભેળસેળ મળી આવી હતી તેમજ શ્રી પટેલ સ્વીટ્સ”, દર્શન, મવડી પ્લોટ-4, ગુજરાત વાયર પાસે, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ “માવો (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં RM વેલ્યૂ નિયત માત્રથી અલગ તથા ફોરેન ફેટની (વેજીટેબલ ફેટ) ભેળસેળ મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થતા તમામ વિરુદ્ધ એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
સોરઠીયા વાડી સર્કલથી પેડક રોડ સુધી ફૂડ વિભાગનું ચેકીંગ
રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા શુક્રવારે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલંગ હાઉસથી સોરઠિયાવાડી સર્કલ, પટેલ વાડીથી બાલક હનુમાન સુધી પડેક રોડ તથા સોરઠિયાવાડી સર્કલથી આંબેડકર ગેટ તરફના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 58 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી ખાધ્યચીજોના કુલ 52 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.