માન્યતાપ્રાપ્ત અધ્યાપકો વગરની કોલેજોમાં પ્રવેશ મંજૂરી નહિ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બુધવારે મળેલી બેઠકમાં ૫૧૭ બાબતો રજૂ કરવામાં આવી હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ નવી કોલેજોની મંજૂરીમાં માન્યતાપ્રાપ્ત અધ્યપકોની નિમણૂક કરવાનું ફરજિયાત બનાવી જે કોલેજો માન્યતાપ્રાપ્ત અધ્યાપકોની નિમણૂક નહિ કરી હોય તેવી કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશની મંજૂરી નહિ આપવાનું જાહેર કરી તમામ કોલેજો માટે ગઅઈઈ એક્રેડિટેશન ફરજિયાત બનાવી ધારીની વર્ણીરાજ કોલેજના બોગસ દસ્તાવેજ મામલે કાયદાકીય સમિતિની રચના કરવા નક્કી કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ક્નવેશનલ યુનિવર્સિટીઓ માટેના નવા એક્ટ અને સ્ટેચ્યુટ અમલમાં આવ્યા બાદ પ્રથમ વખત મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કુલ ૫૧૭ બાબતો સાથે જોડાણ વિભાગ,એકેડેમિક વિભાગ, પરીક્ષા વિભાગને લગતી અગત્યની બાબતો વિષે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જેમાં નવા,કાયમી,ચાલુ,વધારાના જોડાણ માટે તેમજ એકેડેમિક બાબતો પરત્વે કુલપતિ દ્વારા આપવામાં આવેલ બહાલી અને અન્ય વિચારણાની બાબતો પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જેમાં કાઉન્સિલનો અભ્યાસક્રમ હોય તો કાઉન્સિલની માન્યતા મેળવવાની રહેશે તેવું નક્કી કરી દરેક સલગ્ન સંસ્થાઓમાં માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની નિમણુક કરવી ફરજીયાત બનાવી અન્યથા વર્ષ ૨૦૨૫ – ૨૬ના શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થી પ્રવેશની મંજુરી આપવામાં આવશે નહિ તેવું સ્પષ્ટ કરાયું હતું.
સાથે જ શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની યાદી સંસ્થાએ જોડાણ વિભાગમાં તા.૩૧માર્ચ સુધીમાં રજુ કરવાની રહેશે. દરેક સંસ્થાઓએ તા.૩૧માર્ચ સુધીમાં ફાયર એન.ઓ.સી.,બી.યુ.પી. સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે તેવું પણ સ્પષ્ટ કરાયું હતું. ઉપરાંત સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ દરેક સંસ્થાઓએ ગઅઅઈ એક્રેડિટેશન ફરજીયાત મેળવવાનું રહેશે તેવી શરત મુકવામાં આવી હતી.
આ ઉપરાંત સંલગ્ન કોલેજોમાં નવા જોડાણ તથા નવી કોલેજો શરુ કરવા માટે જે જોડાણની બાબત વિચારણામાં હોવાનું અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ – ૨૬ માટે વિચારણા કરવાની થાય છે તેવી દરખાસ્તોની બોર્ડ ઓફ ડીન્સ મારફત સ્ક્રુટીની કરી ત્યારબાદ એ.સી.માં રજુ કરવા, સલગ્ન કોલેજોમાં નવા જોડાણ તથા નવી કોલેજોને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩ – ૨૪ તથા ૨૦૨૪ – ૨૫ માટે કુલપતિ દ્વારા બહાલીની અપેક્ષાએ ભલામણ કરવામાં આવેલ છે તેવી કોલેજોને બહાલી આપવામાં આવેલ હતી. તેમજ સરકારી કોલેજો સ્ટેચ્યુટ તથા સરકારશ્રીના નોર્મ્સ મુજબ સ્ટાફ, માળખાકીય સુવિધાઓ ધરાવતી હોય તો કાયમી જોડાણ આપવા કાર્યવાહી હાથ ધરવા નક્કી કરાયું હતું.
સાથે જ સ્વનિર્ભર કોલેજોને કાયમી જોડાણને બદલે હાલ ચાલુ જોડાણ આપવું તેમજ વર્ષ ૨૦૨૫ -૨૬ માટે જે સ્વનિર્ભર કોલેજોએ કાયમી જોડાણ માટે દરખાસ્ત કરેલ છે તેવી કોલેજોની દરખાસ્ત પરત્વે સ્ટેચ્યુટ મુજબ કાર્યવાહી હાથ ધરવા નક્કી કરી કુલપતિ દ્વારા વિવિધ અભ્યાસક્રમો તથા તેને આનુસંગિક બાબતોને બહાલીની અપેક્ષાએ મંજુરી આપવામાં આવેલ છે તેવી બાબતોને બહાલી આપવામાં આવી હતી.
એકડમિક કાઉન્સિલ દ્વારા ચાલુ,વધારાના જોડાણની બાબતોને બહાલી આપવામાં આવેલ હતી અને કોમન એક્ટની જોગવાઈ મુજબ એકસ્ટર્નલ અભ્યાસક્રમો શરુ કરવા ભલામણ કરવામાં આવી હતી.મહત્વનું છે કે, શ્રી વિશ્વભાષા અને સાહિત્ય પરિષદ,ધારી સંચાલિત વર્ણીરાજ આર્ટસ અને કોમર્સ કોલેજ, ધારી (હાલ-બાબરા)ના ટ્રસ્ટ તરફથી અગાઉ રજુ કરવામાં આવેલ બોગસ દસ્તાવેજ બાબતે સમિતિનો આવેલ અહેવાલ પરત્વે કાયદાકીય માર્ગદર્શન મેળવવા કાયદાકીય સમિતિની રચના કરવા પણ નક્કી કરવામાં આવ્યું હતું.