રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મચારીના આંખમાં મરચું છાંટી ભાગેલો આરોપી પકડાયો
જૂનાગઢ જેલમાં રહેલો દુષ્કર્મનો આરોપી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બે માસ પૂર્વે સારવારમાં હતો ત્યારે નાશી છૂટયો’તો : સોરઠીયા વાડી સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
જૂનાગઢ જેલમાં રહેલો દુષ્કર્મના આરોપીને બે માંસ પૂર્વે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.ત્યારે તે પોલીસ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી ફરાર થઇ જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.દરમિયાન સોરઠીયા વાડી સર્કલ પાસે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ જૂનાગઢ જેલમાં રહેલો 30 વર્ષીય સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા નામના કેદીએ જેલમાં ખીલી ખાઈ લેતાં જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન આ કાચા કામનો કેદી જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાંટી ભાગી જતાં દોડધામ મચી ગઇ હતી. મુળ મોરબીના વતની સાગર વિરુદ્ધ કેશોદમાં દૂષ્કર્મનો ગુનો નોંધાયો હતો અને તે કાચા કામનો કેદી હતો. 11 માસથી તે જૂનાગઢ જેલમાં બંધ હતો, તેની સાંજે સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર ચાલી રહી હતી.ત્યારે તે ભાગી જતાં તેને શોધી કાઢવા પ્રદ્યુમનનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો કામે લાગી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એલ.ડામોર અને ટીમને બાતમી મળતા સાગર ઉર્ફે ચોટીને સોરઠીયા વાડી સર્કલ પાસે પકડી પાડ્યો હતો.અને તેનો કબ્જો જૂનાગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે,આરોપી સાગર મુંધવા સામે મોરબી ખાતે જુદા-જુદા 20 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમજ બે વખત પાસામાં પણ ધકેલાઈ ચુક્યો છે અને રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસમાં પણ એક ગુનો નોંધાયો હતો. સાથે જૂનાગઢનાં કેશોદ પોલીસ મથકમાં પણ આરોપી સામે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.