ચાલુ વિમાને વસ્ત્રત્યાગ,લઘુશંકા,છેડછાડ..યે હો કયા રહા હૈ?
શનિવારે મોડી રાત્રે મુંબઈથી ગૌહાતીની indigo ની ફ્લાઈટમાં એક મુસાફરે બાજુમાં બેઠેલ મહિલા સાથે છેડછાડ કર્યા ની ઘટના પ્રકાશમાં આવી છે. વિમાનની લાઈટો ઝાંખી થયા બાદ આ મહાશયે લખણ ઝળકાવવાનું શરૂ કર્યું હતું. ગભરાયેલી મહિલાએ ચીસાચીસ કરી અને ક્રૂ મેમ્બર્સને બોલાવ્યા બાદ એ મુસાફરે માફ કરી દેવાની કાકલુદી કરી હતી પરંતુ વિમાન લેન્ડ થયું તે સાથે જ તેની પોલીસને સોપણી કરી દેવામાં આવી હતી.વિમાનમાં મહિલાઓ સાથે અભદ્ર ચેષ્ટા કરવાની છેલ્લા ત્રણ મહિનામાં આ પાંચમી ઘટના હતી. થોડા દિવસ પહેલા એક ફ્લાઇટ દરમિયાન સગીરાની બાજુમાં બેઠેલા એક મુસાફર બ્લેન્કેટ ઓઢી અને હસ્તમૈથુન કરતા પકડાઈ ગયા હતા.
હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે પણ એ એક ભ્રમ છે.વિમાનોમાં બને છે એવું તો ક્યાંય નથી બનતું.ચાલુ બસ માં કે ટ્રેનમાં કોઈ મુસાફરે બીજા ઉતારું ઉપર લઘુશંકા કરી હોય કે કોઈ મહિલાએ વસ્ત્રો ત્યાગ કર્યા હોય એવી ઘટના નોંધવાની ઈતિહાસને આજ સુધી તક નથી મળી પણ વિમાનમાં તો એવું પણ બન્યું છે.આવી ઘટનાઓનો ખૂબ શરમજનક ઇતિહાસ છે.
છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિમાન પ્રવાસ દરમિયાન બનેલી કેટલીક આઘાતજનક ઘટનાઓને કારણે ભારતીય પ્રવાસીઓ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.ગત 27મી ડિસેમ્બરે બેંગકોકથી દિલ્હી આવતા સ્માઈલ એરવેઇઝના વિમાનમાં પ્રવાસીઓ વચ્ચે છુટા હાથની જામી પડી હતી. બે મુસાફરો વચ્ચે શરૂ થયેલા ઝગડામાં અન્ય પ્રવાસીઓ પણ હાથ હળવા કરવા લાગતા આકાશમાં ઉડતા વિમાનમાં રમખાણ ફાટી નીકળું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એ અગાઉ 26મી નવેમ્બરે ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહેલા વિમાનમાં શંકર મિશ્રા નામના શખ્સે 70 વર્ષની વૃદ્ધા ઉપર લઘુશંકા કરી તે ઘટના ભારે ચકચારી બની હતી. એ ઘટનાની શાહી નહોતી સુકાઈ ત્યાં 6ઠી ડિસેમ્બરે પેરિસ-નવી દિલ્હી ફ્લાઈટમાં વધુ એક પ્રવાસીએ મહિલા મુસાફરના બ્લેન્કેટ ઉપર લઘુશંકા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
વિમાનોમાં વધી રહેલા આ બનાવો માટે શરાબ અને ડ્રગ ઉપરાંત માનસિક અસ્વસ્થતા અને બીમારી કારણભૂત હોવાનો મનોચિકિતસકોનો મત છે. અમેરિકાના એટેનડન્ટસ ઓફ ફ્લાઇટ એસોસિએશને જાહેર કરેલા અહેવાલ મુજબ આવી ઘટનાઓ દરમિયાન શારીરિક હુમલા,અભદ્ર ચૅસ્ટાઓ,છેડતી અને અપમાનજનક વહેવારનો મહિલા એટેન્ડન્ડન્ટસ સૌથી વધારે ભોગ બને છે. એએફએએ પાંચ હજાર એટેનડન્ટસના કરેલા સર્વેમાં 85 ટકા કરું મુસાફરોની કન્ડગતનો ભોગ બન્યાનું જણાવ્યું હતું.ગૌહતીની ફલાઇટમાં બનેલી ઘટના બેશક શરમજનક છે પણ સાથે જ દુનિયાભરના વિમાનોમાં આવી વિકૃત ઘટનાઓ બનતી જ રહે છે તે સ્વીકાર્યા વગર પણ છૂટકો નથી.
નશાની અસર હેઠળ વસ્ત્રત્યાગ, લઘુશંકા અને ધાક ધમકી
ગત નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના બાલી થી બ્રિસબેન જઈ રહેલા વિમાનમાં ન્યૂઝીલેન્ડના જેમ્સ હ્યુજીસ નામના પ્રવાસીએ સાથી પ્રવાસીની સન્મુખ ઉભા રહીને ટ્રાઉઝર ઉતારી નાખ્યું હતું અને બાદમાં વિમાનના ફ્લોર ઉપર લઘુશંકા કરી હળવો થયો હતો. આ મહાશયની ઉંમર હતી 72 વર્ષની. તેઓ વાઇનની ગાઢ અસર હેઠળ હતા. શરાબ અને ડ્રગના નશાને કારણે વિમાનોમાં અજીબો ગરીબ ઘટનાઓ બની છે.19મી એપ્રિલ 2001ના રોજ યુનાઇટેડ એઇલાઇન્સની સાનફ્રાન્સિસ્કોથી શાંઘાઈ જઈ રહેલી ફ્લાઈટમાં બે જોડિયા બહેનો એક બીજા સાથે ઝગડવા લાગી હતી. બન્ને પીધેલી હતી. બન્ને બહેનો મોડેલ હતી અને શાંઘાઈમાં યોજાયેલી મોડેલ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઇ રહી હતી. બન્ને ને માંડ માંડ શાંત કર્યા બાદ પણ જો કે તોફાન ચાલુ રહ્યા હતા. વોશરૂમમાં જઈને બન્નેએ ધુમ્રપાન શરૂ કર્યું હતું. એમને રોકવાનો પ્રયત્ન કરનાર ક્રુ સાથે બંનેએ બીભત્સ ભાષામાં ઝગડો કર્યો હતો. એક તબકકે તેમણે 35 હજાર ફૂટની ઊંચાઈએ ઉડતા વિમાનમાંથી બહાર નીકળીને સ્મોકિંગ કરવાની જીદ પકડી હતી.16મી ડિસેમ્બર 1997ના રોજ લોસ એન્જલસથી વોશિંગતનની ફ્લાઈટમાં 21 વર્ષનો સંતા મોનીકા કોલેજના ફૂટબોલ ખેલાડી તેના શરીરમાં જીસસ ક્રાઇસ્ટના આત્માએ પ્રવેશ કર્યો હોવાનો દાવો કરી સહ પ્રવાસીઓના માથા ઉપર ઓશિકા વડે આશીર્વાદ દેવા લાગ્યો હતો. તેને બેસાડવાની કોશિશ કરવામાં આવતા તેણે ઉશ્કેરાઈને કોકપિટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી ફ્લાઇટ એટેન્ડન્ડન્ટસ સાથે મારામારી કરી હતી જેમાં એક ક્રૂ મેમ્બરને ત્રણ ઓપરેશન કરવા પડે એવી ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં એ યુવાને એલએસડીનો નશો કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. 18 ડિસેમ્બર 1995ના રોજ લંડનથી મીનેપોલીસ જઈ રહેલી ફ્લાઈટમાં 18 બ્રિટિશ ટુરિસ્ટનું એક જૂથ ગળા સુધી દારૂ પીધા પછી બેફામ થઈને તોફાનો ચડ્યું હતું. એમને વધારે શરાબ આપવાનો ઇનકાર કરનાર ક્રુ મેમ્બર ઉપર દારૂડિયાઓએ હુમલો કર્યો હતો. જો કે બન્યું એવું કે એ જ વિમાનમાં યુએસની ફ્રી સ્ટાઇલ રેસ્ટલિંગ ટીમ પણ પ્રવાસ કરી રહી હતી. એ કુસ્તીબાજોએ શરાબી ટોળકીની યથાયોગ્ય સરભરા કરીને બધાને બેસાડી દીધા હતા. ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું પણ એ દરમિયાન અન્ય સહ પ્રવાસીઓ ભયથી ફફડતા રહ્યા હતા.
વિમાનમાં આતંકવાદી? વિસ્ફોટ?
તમે વિમાનમાં મુસાફરી કરતા હો અને અચાનક કોઈ મુસાફર ઉભો થઈને વિમાનને વિસ્ફોટકો વડે ઉડાવી દેવાની કે બધાને મારી નાખવાની ધમકી આપે તો કેવી દશા થાય ? દેખીતી રીતે જ વિમાનમાં આતંકવાદીઓ ઘુસી ગયા હોવાની શંકા જાગે. બધા ભયભીત થઈ જાય. પેટમાં ચૂંક આવવા લાગે. હૃદયના ધબકારા વધી જાય. આવી ધમકીઓ આપતી ઘટનાઓની યાદી પણ ખૂબ મોટી છે. એપ્રિલ 2021માં વર્જિન્યા થી ફ્લોરિડા જઇ રહેલા વિમાનમાં 29 વર્ષના કેમરોન સ્ટોન નામના મુસાફરે ગન તાકતો હોય તેવી મુદ્રા સાથે બધા પ્રવાસીઓને શૂટ કરી દેવાની ધમકી આપતાં પ્લેનમાં સન્નાટો પ્રસરી ગયો હતો. બાદમાં તેણે પ્લેન કેબિન અને કોકપિટના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટોને કરેલી ઝપઝપીમાં મહિલા કૃ ને છાતી,હાથ ,ખભા તથા ચહેરા ઉપર ઉઝરડા પડી ગયા હતા.એ દરમિયાન એક મહિલા પ્રવાસીને મૂંઝારો થવા લાગતા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ ન્યૂયોર્ક થી ઓરલાન્ડો જઇ રહેલી ફ્લાઈટમાં એક મુસાફરે બધા પ્રવાસીઓને મારી નાખવાની ધમકી આપતા વિમાનમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. એ મુસાફરે તેની પાછળની સીટમાં બેઠેલી મહિલા સિરિન્જ દ્વારા તેના ડીએનએ ખેંચી લેવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં પોલીસે આ અર્ધપાગલ માણસની ધરપકડ કરી હતી. 8મી ઓગસ્ટએ એક મહિલા મુસાફરે કરેલી નવતર પ્રકારની ધમાલને કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂર પડી હતી. સાયપ્રસથી માન્ચેસ્ટરની ફ્લાઇટે ઉડાન ભરી તેની થોડી મિનિટો બાદ 30 વર્ષની એક યુવતીએ માત્ર આંતરવસ્ત્રોને જ શરીર ઉપર રહેવા દઈને બે વખત કોકપિટમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં ભારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા. એ મહિલાએ પોતે આઇએસઆઇએસની આતંકવાદી હોવાનું જણાવી વિમાનમાં વિસ્ફોટકો હોવાનું જાહેર કર્યુ હતું. બાળકો પાસે જઈને તે પૂછવા લાગી કે તમે બધા મરવા માટે તૈયાર છો ને? તેના આ કારનામાને કારણે એક બાળકીને પેનિક એટેક આવી ગયો હતો. અંતે વિમાનનું પેરિસમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
પાઇલોટ પણ કેમ પાછળ રહે?
વસ્ત્રતિલાંજલીના પરાક્રમો માત્ર મુસાફરોએ જ કર્યા હોય તેવું નથી. 2020માં ફિલાડેલફિયાથી ફ્લોરિડા જઇ રહેલા સાઉથ વેસ્ટ એરલાઇન્સના વિમાનમાં તો ન ભૂતો ન ભવિષ્યતિ સમી ઘટના બની હતી. વિમાને ઉડાન શરૂ કરી તે સાથે જ મુખ્ય મહિલા પાયલોટ ક્રિસ્ટિના જેનિંગ સાથે ફરજ બજાવતો કો પાયલોટ માઈકલ હાક કોકપિટનો દરવાજો બંધ કરી નિર્વસ્ત્ર થઈ ગયો હતો. બાદમાં તેણે લેપટોપ ઉપર પોર્નોગ્રાફી વીડિયો જોવાનું શરૂ કર્યું.પ્લેન લેન્ડ થયું ત્યાં સુધી તેણે આ ગંદી હરકતો ચાલુ રાખી હતો. માઈકલની નોકરીનો એ છેલ્લો દિવસ હતો અને તે પ્રસંગને યાદગાર બનાવી દેવા માટે તેણે મહિલા પાયલોટ સામે કપડાં કાઢી નાખ્યા હતા તેવો અદાલતમાં ખુલાસો કર્યો હતો. વિમાનમાં તોફાની તત્વો દ્વારા હવે બીભત્સ હરકતો માટે ટેક્નોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. એપલના એર ડ્રોપ ફંક્શન થકી 30 ફૂટના અંતરમાં એપલના સ્માર્ટ ફોન કે ટેબ્લેટ ધરાવતા લોકોને તેમની જાણ કે મંજૂરી વગર જ ફોટોગ્રાફ્સ,વીડિયો અને અન્ય ફાઈલો મોકલી શકાય છે. સપ્ટેમ્બર મહિનામાં સાઉથ વેસ્ટ એરલાઇન્સની ડોમેસ્ટિક ફ્લાઈટમાં એક વ્યક્તિએ એ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ને પાયલોટને નગ્ન ફોટાઓ મોકલવાનું શરૂ કરતાં પાયલોટે પીતો ગુમાવ્યો હતો. તેણે વિમાનને અધરસ્તે જ ઉતરવાની ધમકી આપ્યા બાદ ફોટા મળતા બંધ થયા હતા. મે મહિનામાં ઇઝરાયેલનું વિમાન ઉપડે એ પહેલાં જ અનેક મુસાફરોને તૂટી પડેલા વિમાનના ફોટા મળવા લાગતા ભારે ગભરાટ ફેલાયો હતો અને ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી.