મનપાના આધાર કેન્દ્રો બન્યા ‘નિરાધાર’: ૪૫૦ અરજદારો વચ્ચે માત્ર ૪ ઓપરેટર
સરકારે એક સાથે ૧૮ ઓપરેટરને સસ્પેન્ડ કરી નાખતાં કામગીરી ડખ્ખે ચડી: એકમાત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં કામ ચાલું, ઈસ્ટ-વેસ્ટમાં બંધ
બે-ત્રણ દિવસે આવતો વારો: નવા ઓપરેટરો પાસે ઝડપ ન હોવાથી માંડ ૧૫૦ લોકોનું કામ પતે છે

મહાપાલિકાની સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન કચેરીમાં સૌથી વધુ ભીડ જ્યાં રહે છે તે આધાર કેન્દ્ર અને જન્મ-મરણના દાખલા કઢાવવા માટે જ જોવા મળતી હોય છે. જો કે અહીં કામગીરી અથવા તો સર્વર ખોરવાઈ ગયું ન હોય તો જ નવાઈ પામવા જેવું રહે છે. બીજી બાજુ સરકાર દ્વારા તાજેતરમાં જ મહાપાલિકાના ત્રણેય આધાર કેન્દ્રોમાં ફરજ બજાવતાં ૧૮ ઓપરેટરોને એક સાથે સસ્પેન્ડ કરી દેવાતાં કામગીરી ડખ્ખે ચડી જવા પામી હતી. ઓપરેટરો ન હોવાથી વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન કચેરીનું આધાર કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે અને સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ કામગીરી ચાલું હોવાથી ૪૫૦ જેટલા અરજદારો પોતાના આધારકાર્ડમાં સુધારા-વધારા માટે આવી રહ્યા છે જેમની વચ્ચે માત્ર ચાર જ ઓપરેટર કામ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે સેન્ટ્રલ ઝોનમાં કાર્યરત આધાર કેન્દ્રની કામગીરી સંભાળતાં નરેન્દ્ર આરદેશણાએ જણાવ્યું કે અગાઉ ત્રણેય ઝોનમાં આધાર કાર્ડ માટે છ-છ કિટ મુકવામાં આવી હતી જે તમામ કિટનું સંચાલન ૧૮ ઓપરેટરો દ્વારા કરવામાં આવતું હતું. સરકાર દ્વારા ઓપરેટરોની ભૂલને કારણે સસ્પેન્ડ કરી દેવાતાં સેન્ટ્રલ ઝોન કચેરીમાં ચાર નવા ઓપરેટર મુકવામાં આવ્યા છે. જો કે આ તમામ નવા હોવાથી કામમાં જોઈએ તેવી ઝડપ આવી રહી નથી એટલા માટે રોજના ૧૫૦ અરજદારોના આધારકાર્ડનું કામ જ થઈ રહ્યું છે.
અત્યારે સ્થિતિ એવી છે કે અરજદારનો બે-ત્રણ દિવસે વારો આવી રહ્યો છે. હવે સરકાર આ સપ્તાહમાં જ સંભવત: સસ્પેન્શન પાછું ખેંચે તો જ ગાડી પાટે ચડે તેવી શક્યતા છે.
