ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ભાગેલી તરૂણી અમદાવાદ થી પકડાઈ
સીસીટીવી ફૂટેજ ના આધારે એ ડિવિઝન પોલીસને મળેલી સફળતા
રાજકોટનાં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી ચાર તરૂણી પૂર્વ આયોજિત કાવતરું રચીને ભાગી ગઈ હોય જેને શોધવા માટે રાજકોટ પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી અંતે બે સગીરાઓને અમદાવાદથી શોધી કાઢવામાં આવી છે અને રાજકોટ પોલીસ આ બંને સગીરાઓને લઈને રાજકોટ આવી છે
ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી એક સગીરા ચાવીથી દરવાજો ખોલી નીકળી ગયા બાદ બાકીની ત્રણ તરૂણી પણ તેની પાછળ ભાગી ગઈ હતી. એ-ડિવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચે આ ચારેય તરૂણીઓની શોધખોળ શરૂ કરી છે. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં હાલ 45 તરૂણી છે. જેમાંથી 33 અનાથ છે. જેને ઉપરના માળે રાખવામાં આવી છે. બાકીની 12 તરૂણી કે જે ભોગ બનનાર છે તેને નીચેના માળે રાખવામાં આવે હતી. આ 12 તરૂણી પૈકીની 4 તરૂણી બે દિવસ પૂર્વે મહિલા એટેન્ડન્ટ નિત્ય ક્રમ મુજબ સવારે નાસ્તો બનાવવા માટે રસોડામાં ગઈ હતી. ત્યારે ચારેય તરૂણીઓ પણ તેની સાથે ગઈ હતી. આ દરમિયાન એક તરૂણીએ નજર ચૂકવી મહિલા એટેન્ડન્ટ પાસે રહેતો ચાવીનો ઝુડો સેરવી લીધો હતો. ત્યારબાદ એક તરૂણી આ ચાવીનો ઝુડો લઈ મુખ્ય દ્વાર ખોલી નીકળી ગઈ હતી. તેની પાછળ પાછળ બાકીની ત્રણ તરૂણીઓ પણ ભાગી ગઈ હતી. જાણ થતાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઈન્ચાર્જ પુજાબેન શિયાળ દ્વારા આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી બનાવની ગંભીરતા ને લઈ એ ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ ના આધારે આ તરુણીઓ એસટી બસ સ્ટેન્ડમાં બસમાં બેસતી નજરે પડી હતી અને અમદાવાદ તરફ ગઈ હોવાની માહિતીના આધારે અલગ અલગ ટીમોએ તપાસ કરી હતી જેમાં અમદાવાદ રેલવે સ્ટેશનથી બે તરુણી મળી આવી છે જેને લઈ રાજકોટ એ ડિવિઝન પોલીસની ટીમ પરત આવી છે જ્યારે અન્ય બે તરૂણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. ચારેય તરૂણીઓ અગાઉથી યોજના બનાવી ભાગી ગયાનું તારણ નીકળ્યું હોય તેમાં તેની કોઈએ મદદ કરી કે કેમ તે સહિતની બાબતો ઉપર એ-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.