ગોંડલમાં વ્યાજખોર દ્વારા ખેડૂત ઉપર હુમલો કરી જીવતો સળગાવી નાખવાની ધમકી
પુત્રએ લીધેલા 1 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં વધુ ૧૮ લાખ વસુલવા આંતક મચાવ્યો
ગોંડલમાં ત્રણ વ્યાજખોર શખ્સોએ ખેડૂત પાસે 18 લાખ માંગી વૃધ્ધને ગાળો આપી ગળું દબાવી જીવતો સળગાવી દેવાની ધમકી આપ્યાની ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
ગોંડલના ગ્રીનપાર્કમાં રહેતાં હંસરાજભાઈ દેવરાજભાઈ રૈયાણી (ઉ.વ.60) એ દૈયા ગામના રામો ગમારા,ગૌતમ વાઘેલા, એક અજાણ્યાં શખ્સનું નામ આપ્યું હતું. હંસરાજભાઈના પુત્ર કપીલે દૈયા ગામના રામા ગમારા પાસેથી પાંચ વર્ષ પહેલાં એક લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતાં. પાંચ માસ બાદ તેના પુત્રએ રકમ વ્યાજ સાથે રૂ.5 લાખ ચૂકવી દિધા હતાં.
જે બાદ પણ વ્યાજખોર રામો અવારનવાર ઘરે આવી તેમના પરિવારને હેરાન કરતો હતો. હંસરાજભાઈ વાડીએ એકલાં હતાં ત્યારે આરોપીઓ રામો ભરવાડ સહિત ત્રણેય શખ્સો ઘસી આવ્યાં હતાં ગળું દબાવી આ વાડી મૂકી તું જતો રહેજે અને તારા દિકરાને કહેજે અમારા પૈસા આપી દે નહીંતર તને જીવતો સળગાવી દેશું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી