નિસ્વાર્થ ભાવે નિરાધારો માટે ચાલતો અનોખો સેવા યજ્ઞ
વૃદ્ધાવસ્થામાં જીવનના અંતિમ દિવસો પસાર કરતાં વડીલો માટે આશરાનું ઘર એટલે “ચંદ્રશ્રુતિ”: નિરાધાર વડીલોની સેવા કરવા રાજકોટના ઉદ્યોગપતિ પરિવારે માદરે વતન માણાવદરમાં બનાવ્યો વૃદ્ધાશ્રમ

જીવનના અંતિમ પડાવમાં જીવન પસાર કરતાં નિરાધાર વૃદ્ધો માટે રાજકોટના ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી અને તેમના પરિવારે પોતાના વતન માણાવદર નજીક 5 વિઘામાં વૃદ્ધાશ્રમ “ચંદ્રશ્રુતિ” વર્ષ 2021માં બનાવ્યો હતો. માણાવદરથી 6 કિલોમીટર દૂર કુદરતના ખોળે અને પ્રદૂષણથી મુક્ત વાતાવરણમાં બનેલા આ ચંદ્રશ્રુતિમાં પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે. અહી 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને સંતાનમાં જેમને પુત્ર ન હોય તેમને પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે ચંદ્રશ્રુતિમાં 32 વડીલ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે.

ચંદ્રશ્રુતિ વૃદ્ધાશ્રમમાં બંને બાજુ 8-8 રૂમ આવેલા છે. એક રૂમમાં બે વડીલ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ પતિ-પત્ની અહી રહેવા આવે તો તેમને અલગથી રૂમ ફાળવવામાં આવે છે. જ્યારે દરેક રૂમમાં સામાન્ય લોકોના ઘરમાં પણ ન હોય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અલાયદા પલંગ ઉપરાંત કપડા સહિતની અન્ય જરૂરી વસ્તુઓ રાખવા માટે કબાટ પણ આપવામાં આવ્યા છે. હાલમાં ચંદ્રશ્રુતિ વૃદ્ધાશ્રમમાં 7 મહિલા અને 12 પુરુષ એમ કુલ 19 વડીલ રહે છે. આ વડીલો ગોંડલ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાંથી આવેલા છે. આખા ચંદ્રશ્રુતિમાં લીલા ઘટાદાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. તો વળી 1 વિઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. જેમાં ઉગાડવામાં આવતા શાકભાજીમાંથી અહી રહેતા વડીલો માટે ભોજન બનાવવામાં આવે છે.

વડીલો માટે જમવાની પણ સુંદર વ્યવસ્થા છે. આ માટે બે રસોઇયાનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. રોટલી, શાક, દાળ-ભાત, અથાણાં અને સલાટ સહિતનું ભોજન વડીલોને પીરસવામાં આવે છે. દરરોજ સવાર અને સાંજે સત્સંગ હોલમાં સત્સંગ કરવામાં આવે છે. આ ઉપરાંત વડીલો માટે દર મહિને એકવાર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જ્યારે નવરાસની પળોમાં સમય પસાર કરવા માટે ધાર્મિક પુસ્તકો અને રમત ગમત માટે ચેસ, કેરમ જેવી ગેમ્સ પણ રાખવામાં આવી છે.

ચંદ્રશ્રુતિમાં ધાર્મિક ઉત્સવોની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિના પર્વ પર અસાપાસના ગામની નાની-નાની દિકરીઓ માટે ચંદ્રશ્રુતિમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમની સાથે અહી રહેતા વડીલો પણ નવરાત્રી પર્વની ઉજવણી કરે છે. અહી રહેતા વડીલોના આરોગ્યની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. ફિટનેસ માટે જીમની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં જુદી-જુદી કસરતના સાધનો પણ રાખવામાં આવ્યા છે. રાજુભાઇ દોશી રાજકોટમાં ક્લિનિક ચલાવે છે ત્યારે રાજકોટ જેવુ જ ક્લિનિક અહી પણ ઉભુ કરવામાં આવ્યું છે. દર મહિને રાજકોટથી માણાવદર વૃદ્ધાશ્રમની મુલાકાત માટે રાજુભાઇ આવે ત્યારે વડીલોના આરોગ્યની તપાસની કરી વડીલોને જરૂરી દવા પણ આપવામાં આવે છે.

ચંદ્રશ્રુતિને આર્થિક નહી, સમય દાનની જરૂર
વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ જેવા આશ્રમોમાં લોકો પોતાની ક્ષમતા પ્રમાણે આર્થિક દાન આપતા હોય છે ત્યારે રાજુભાઇ દોશીએ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વૃદ્ધાશ્રમમાં વડીલો રહે છે. જેમને જરૂર હોય છે કે કોઈ તેમની પાસે બેસે અને તેમની વાત સાંભળે. તેમની સાથે સમય પસાર કરે. આજના સમયમાં રૂપિયાનું દાન કરનારા અસંખ્ય લોકો છે પરંતુ વડીલો પાસે બેસીને તેમની સાથે સમય પસાર કરનારા લોકો ઓછા છે. માટે અમે ચંદ્રશ્રુતિમાં આર્થિક દાન નહી સમય દાનની અપીલ કરીએ છીએ.

પત્ની-પરિવારની ઈચ્છા હતી કે વડીલોની સેવા માટે કઈક કરવું જોઈએ: રાજુભાઇ દોશી
પોતાના વતનમાં વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? તે વિષે વાત કરતાં રાજુભાઇ દોશી જણાવે છે કે, વર્ષ 2010માં મારી પત્ની રીટાને નિરાધાર વડીલોની સેવા કરવાનો વિચાર આવ્યો અને આ વિચાર પરિવાર સમક્ષ મૂક્યો. પરિવાર પણ આ વિચાર સાથે સંમત થયો. હાલ અમે રાજકોટમાં વેપાર-ધંધા સાથે સંકળાયેલા છીએ. એટલે રાજકોટમાં જ રહી છીએ. પરંતુ વતનથી દૂર થવાનું મન થતું નથી અને એટલે જ અમે અમારા વતન મણાવદરમાં વૃદ્ધાશ્રમ ચંદ્રશ્રુતિ બનાવવાનો નિર્ણય કર્યો.

બે મિત્રો આપે છે ચંદ્રશ્રુતિમાં નિ:શુલ્ક સેવા
રાજકોટના ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી અને તેમના પરિવારે માણાવદરમાં બનાવેલા ચંદ્રશ્રુતિ વૃદ્ધાશ્રમમાં દેખરેખ અને વડીલોની સાર-સંભાળ માટે આમ તો 6 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. પરંતુ બે વ્યક્તિ એવા છે કે જેઓ અહી નિ:શુલ્ક સેવા આપે છે. રાજુભાઈના મિત્રો ગિરીશભાઈ સોમૈયા(નિવૃત માણાવદર નગરપાલિકા કર્મચારી) અને અભયભાઈ પારેખ અહી નિ:શુલ્ક સેવા આપે છે. આ બંને લોકો સવારથી જ ચંદ્રશ્રુતિ ખાતે આવી જાય છે અને વૃદ્ધાશ્રમની કામગીરી સંભાળે છે. ઉપરાંત વડીલોની સાર-સંભાળ પણ લે છે.
