કરોળિયાના જાળા, બેફામ ગંદકી વચ્ચે તૈયાર થતી હતી ટુટી-ફ્રૂટી
કોઠારિયા રિંગરોડ પર પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં મનપાનો દરોડો: ૨૦,૦૦૦ કિલો કાચા પપૈયાનો નાશ
કાચા પપૈયાના કટકાં કરી ધૂળ-ચીકાશ સહિતની ગંદકી ઉપર જ પાથરી દેવાતા’તા !
મહાપાલિકાની ફૂડ શાખાએ કોઠારિયા રિંગરોડ પર ઓમ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં દરોડો પાડી તપાસ કરતાં ત્યાં કરોળિયાના જાળા, બેફામ ગંદકી વચ્ચે ટૂટી-ફઽૂટી તૈયાર કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. મનપાએ તાત્કાલિક ૨૦,૦૦૦ કિલો કાચા પપૈયા સહિતનો નાશ કરી ઉત્પાદક જયેશ પરસોત્તમ સાવલિયાને નોટિસ ફટકારી છે.
મનપાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઑફિસર ડૉ.હાર્દિક મેતા સહિતના સ્ટાફે ટૂટી-ફ્રુટી તેમજ જેલીનું ઉત્પાદન કરતા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં દરોડો પાડી ચેકિંગ કરતાં ત્યાં ઉત્પાદન ખુલ્લામાં જ કરવામાં આવી રહ્યું હતું, આ ઉપરાંત છાપરા, ફ્લોરિંગ તેમજ ઉપયોગમાં લેવાતા ટાંકામાં બેફામ ગંદકી નજરે પડી હતી. આટલું ઓછું હોય તે સંગ્રહિત કાચો માલ તેમજ તૈયાર કરેલ ખાદ્યવસ્તુઓને ધૂળ, ચીકાશ તેમજ કરોળિયાના જાળા વચ્ચે રાખવામાં આવી હતી. કાચા પપૈયાના કટકા જમીન પર પાથરી દેવાયા હતા જેના કારણે ધૂળ તેમજ જીવ-જંતુ સરળતાથી અંદર ઘૂસી શકે તેમ હતું. સૌથી મહત્ત્વની વાત એ કે ઉપયોગમાં લેવાતું બોરનું પાણી કેવું છે તે અંગેની કોઈ જ માહિતી પેઢીનો માલિક જયેશ આપી શક્યો ન્હોતો.
આટઆટલી લાપરવાહી જોવા મળતાં તાત્કાલિક ૨૦,૦૦૦ કિલો કાચા પપૈયા તેમજ જેલી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા પપૈયાનો નાશ કર્યો હતો અને સ્થળ પરથી ટૂટી-ફ્રૂટી, જેલી ક્યુબ્સ સહિતના નમૂના લઈ લેબોરેટરી અર્થે પરિક્ષણમાં મોકલ્યા છે.