રાજકોટ માટે ખાસ ઇકોનોમિક ડેવલોપમેન્ટ પ્લાન બનાવાશે : મુખ્યમંત્રી
અટલ સ્માર્ટ સિટીસંકુલ જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાનગરપાલિકાના રૂ.૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજકોટ : કેન્દ્ર સરકારના “સ્માર્ટ સિટી મિશન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટી.પી. સ્કીમ નં.૩૨(રૈયા)મા નિર્માણ કરેલ “અટલ સ્માર્ટ સિટી” સંકુલને આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું સાથે જ મહાનગરપાલિકાના રૂ.૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી મુખ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન ૧૦૧૦ આવાસ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના EWS-2 કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, બજેટના વાંકે વિકાસ કામો નહીં અટકે, આજે રાજ્યમાં શહેરી વિકાસ માટે 21,696 કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં રાજકોટ માટે પણ સુરતની જેમ ખાસ ઇકોનોમિક ડેવલોપમેન્ટ પ્લાન બનાવી વધુ વિકસિત બનાવાશે.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આપણી આ ડબલ એન્જીન સરકારે સેવા સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યબદ્ધ રહીને પુરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે. આ સરકારની સફળતા સૌના આશીર્વાદથી ગઈકાલે ૨ વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં “ઇઝ ઓફ લિવિંગ” સતત વધતું રહ્યું છે અને હેપીનેસનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાનું ઘર મળે તે માટે નરેન્દ્રભાઈ મોદીએ સંપૂર્ણ સુવિધા સાથેની “પ્રધાનમંત્રી આવાસ યોજના”નું આયોજન કર્યું છે. “પ્રધાનમંત્રી આવાસ યોજના” ગુજરાત ૧૪ લાખ આવાસોના નિર્માણ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે. એમાં પણ રાજકોટનો લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશનો આઇકોનિક અને નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય પ્રોજેક્ટ છે. આજે રાજકોટમાં વધુ ૧૨૨૦ આવાસોનો ડ્રો થયો છે. લોકોને પોતાના સ્વપ્નાનું ઘરનો લાભ પ્રાપ્ત થવાનો છે તેવા સૌ લાભાર્થી ભાઈઓ-બહેનો સૌને શુભેચ્છાઓ પાઠવું છું.
કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, દરેક મનુષ્ય માટે રોટી, કપડા અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર આમ ડબલ એન્જિનવાળી સરકાર સતત ચિંતા કરી રહી છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવાર માટે રાજકોટ શહેરમાં ૩૩,૦૦૦ આવાસોનું નિર્માણ કરી, જરૂરિયાતમંદ પરિવારોને તેની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો “જ્યાં માનવી ત્યાં સુવિધા” તથા “સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના સૂત્ર સાથે શહેરમાં પાયાના મહત્વના અનેકવિધ પ્રોજેક્ટ્સનું નિર્માણ કાર્ય ગતિમાં છે. જેમાં, ખાસ કરીને ડી.આઈ. પાઈપલાઈન તથા ડ્રેનેજ નેટવર્કના કામો, જામનગર રોડ સાંઢીયા પૂલ ખાતે ફ્લાયઓવર બ્રિજ, કટારીયા ચોક ખાતે આઇકોનિક બ્રિજ, મવડી વિસ્તારમાં અદ્યતન ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ સંકુલ, ભગવતીપરા વિસ્તારમાં આધુનિક હાઈસ્કુલ, પ્રદ્યુમન પાર્ક પાસે એશિયાટીક લાયન સફારી પાર્ક, નવા ફાયર સ્ટેશન, આવાસ યોજના સહિતના કામો ગતિમાં છે.
રાજકોટ શહેર રહેવાલાયક, માણવાલાયક અને રળીયામણું બને તે માટે શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ૫ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે, શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સી.એન.જી.તથા ઇલેક્ટ્રિક બસ, ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસીંગ, મેગા સ્કેલ સોલાર રૂફટોપ વગેરે જેવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર ખરા અર્થમાં સ્માર્ટ સિટી બને તે દિશામાં અવિરતપણે આગળ ધપી રહ્યુ છે અને તેમાં “સૌનો સાથ સહકાર” મળી રહેશે તેવી મને ચોક્કસપણે અપેક્ષા છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીના હસ્તે થયેલા લોકાર્પણ-ખાતમુહૂર્ત
* આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો
* રૂપિયા ૫૬૫.૧૧ કરોડના સ્માર્ટ સિટીના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો
* ૨૨ નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવા ફ્લેગ ઑફ
*ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે ૭ નંગ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ
* પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે ત્રણ કેન્ટીનના બિલ્ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન કામ
* બાંધકામ વિભાગના કુલ ૨૬ કામ, રૂ.૬૭.૭૬ કરોડ
* ડ્રેનેજ નેટવર્કને લગત કુલ ૭ કામ, રૂ.૪૪.૫૦ કરોડ
* વોટર વર્કસ નેટવર્કને લગત કુલ ૬ કામ, રૂ.૨૩.૮૪ કરોડ
* રોડ-ડામર કામ તથા ડીવાઈડર-સેન્ટ્રલ લાઈટીંગ લગત કુલ ૧૫ કામ, રૂ.૮૩.૩૮ કરોડ)
* સાધન ખરીદી ૨ કામ, રૂ.૪.૭૮ કરોડ
* કુલ રૂ.૭૯૩.૪૫ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કામો
