વોંકળાનું પાણી રોકાઈ જાય તે રીતે બનાવાયેલી ઓરડી તોડી પડાઈ
વૉર્ડ નં.૧૪માં શેઠ હાઈસ્કૂલ પાછળના વોંકળાનું દબાણ દૂર કરતી ટીપી શાખા
સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડવાની દૂર્ઘટના હજુ તાજી જ છે ત્યારે શહેરના અન્ય વોંકળાઓ પર ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે મહાપાલિકાનું બૂલડોઝર સતત ધણધણી રહ્યું છે. આવું જ એક દબાણ વૉર્ડ નં.૧૪માં શેઠ હાઈસ્કૂલ પાછળ આવેલા વોંકળામાં ખડકાયેલું હોવાનું ધ્યાન પર આવતાં જ તેને તોડી પાડવામાં આવ્યું હતું. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ૮૦ ફૂટ રોડ નજીક, નટેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલા વોંકળા પૈકીની વોટર-વેની જગ્યા પર ખડકાયેલી એક ઓરડી, કમ્પાઉન્ડ વોલ, બે પ્લીન્થ તેમજ કાચું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ દબાણને કારણે વોંકળાના પાણીનું વહેણ અટકી જતું હોવાથી તેને તોડી પાડવી અત્યંત જરૂરી હતી નહીંતર આવનારા સમયમાં દૂર્ઘટના આકાર લઈ જાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી.