રાજકોટના મેયર સહિતના નેતાઓ જે ગ્રુપમાં છે તેમાં થયો અશ્લિલ વીડિયોનો ઢગલો !!
વોર્ડ નં.૪ના ભાજપના વૉટસએપ ગ્રુપમાં બીભત્સ વીડિયો-તસવીરો અપલોડ થતાં જ મહિલા સહિતના મુકાઈ ગયા ક્ષોભજનક સ્થિતિમાં
બપોરે ૧ વાગ્યે વીડિયો-તસવીરો આવતાં જ અનેકે ગ્રુપ છોડી દીધું: વીડિયો મુકનાર મનિષ પરસાણાએ કહ્યું, મજૂરના હાથમાં ફોન હોવાથી તેણે મુકી દીધા’તા
અત્યારે વૉટસએપ મારફતે ઘણું બધું કામ સરળ બની ગયું છે અને આ એપ્લીકેશન થકી લોકો એકબીજાના જીવંત સંપર્કમાં રહે છે. જો કે ઘણી વખત આ જ એપ્લીકેશન ક્ષોભજનક સ્થિતિ ઉભી કરી દેતી હોય છે. આ એપ્લીકેશન થકી છેલ્લા ઘણા સમયથી અશ્લિલ વીડિયો અને તસવીરો એકબીજા ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા હોવાથી આ દૂષણથી લોકો કંટાળી ગયા છે. બીજી બાજુ શિસ્તના એકદમ આગ્રહી ગણાતાં ભાજપના જ એક વૉટસએપ ગ્રુપમાં ક્ષણભરની અંદર અશ્લિલ વીડિયોનો ઢગલો થઈ જતાં સનસનાટી મચી જવા પામી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ભાજપનું વોર્ડ નં.૪નું એક વોટસએપ ગ્રુપ સંચાલિત થઈ રહ્યું છે જેમાં પક્ષની વિવિધ ગતિવિધિની જાણકારી શેયર કરવામાં આવતી હોય છે. આ ગ્રુપમાં મનિષ મકવાણા નામના એક વ્યક્તિએ બપોરે ૧:૦૭ વાગ્યાના અરસામાં બિભત્સ વીડિયો અને તસવીરો મુકી દીધા હતા. વીડિયો-તસવીરોને નીચે અભદ્ર લખાણ પણ લખેલું હતું. એકંદરે ભદ્ર સમાજને ન શોભે તેવા વીડિયો અને તસવીરો આ ગ્રુપમાં મુકાઈ જતાં એક બાદ એક સભ્યો ગ્રુપમાંથી બહાર નીકળવા લાગ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે આ ગ્રુપમાં વોર્ડ નં.૪ના કોર્પોરેટર અને મેયર નયનાબેન પેઢડિયા પણ સામેલ હતા અને તે વાતથી વોર્ડ નં.૪ના તમામ હોદ્દેદારો અને કાર્યકરો બરાબર રીતે જાણતા હોવા છતાં આ હરકત થતાં પક્ષ દ્વારા વીડિયો-તસવીરો મુકનાર સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વળી, આ વીડિયો અને તસવીરો અપલોડ કરનાર મનિષ પરસાણાએ એવો લૂલો બચાવ કર્યો હતો કે તેનો ફોન મજૂરના હાથમાં હોવાથી તેણે આ બધું મુકી દીધું હતું. જો કે આ વાત કોઈને ગળે ઉતરે તેવી નથી કેમ કે કોઈ પણ મજૂર તેના શેઠ કે માલિકનો ફોન ક્યારેય હાથમાં લેતો નથી અને કદાચ લ્યે તો પણ તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ક્યારેય ચેક કરી શકતો નથી.