રાજકોટમાં અભ્યાસ કરતી નર્સિંગ છાત્રા પર કૌટુંબિક ભાઈએ ગુજાર્યું દુષ્કર્મ
પ્રેમજાળમાં ફસાવી કોલેજેથી લઈ જઈ અમદાવાદ, સુરત, મુંબઈ, બાદ સુરેન્દ્રનગરમાં અનેક વખત બનાવી હવસનો શિકાર : કુવાડવા પોલીસે ગુનો નોંધી નરાધમની કરી અટકાયત
રાજકોટની ભાગોળે આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી અને સુરેન્દ્રનગર પંથકની છાત્રને કૌટુંબિક ભાઇએ જ પ્રેમજાળમાં ફસાવી તેણીને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કુવાડવા પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. કૌટુંબિક ભાઇએ યુવતીને તેની કોલેજ પરથી લઇ જઈ અમદાવાદ, સુરત, મુંબઈ, બાદ જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર ફેરવી તેના પર ચાલુ ટ્રેને દુષ્કર્મ ગુજાર્યું હતું.અને બાદમાં તરછોડી દેતા કુવાડવા પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.
વિગત મુજબ મુળ સુરેન્દ્રનગર પંથકની અને હાલ રાજકોટની ભાગોળે આવેલી એક કોલેજમાં નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષિય છાત્રાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં થાન પંથકના એક ગામ રહેતા તેના કૌટુંબિક ભાઇ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેનો કૌટુંબિક ભાઇ અવાર નવાર ફોનમાં અને વોટસએપમાં વાતચીત કરતો હોય જેથી બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો.દરમિયાન ગત ઉનાળાના વેકેશનમાં તેણી ઘરે ગઇ ત્યારે તા.9/5ના રોજ આરોપીએ મોબાઇલમાં મેસેજ કરી ‘તું મને મારા ઘરે મળવા આવ નહીં તો હું મરી જઇશ’, તેવો મેસેજ કરતા તેણી તેના ઘરે ગઇ હતી. ત્યારે આરોપીએ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું અને ધમકી આપી હતી.
ત્યાર બાદ ગત તા.15/9ના આરોપીએ ફોન કરી તું મારી સાથે બહાર નહીં આવે તો હું તારા ભાઇને મારી નાખીશ, તેવી ધમકી આપતા છાત્ર 16/9ના હોસ્ટેલેથી નીકળી આરોપીને મળવા જતા આરોપી તેને લઇ અમદાવાદ, સુરત, મુંબઇ ત્યાંથી જામનગર, દ્વારકા લઇ ગયો હતો અને બાદમાં રાજકોટથી સુરેન્દ્રનગર ખાતે ટ્રેનમાં જતા હતા ત્યારે ચાલુ ટ્રેનમાં તેની સાથે ફરી દુષ્કર્મ આચર્યું હતું.છાત્રા સમયસર ઘરે ન જતા તેના માતા-પિતા પણ તેને શોધતા હોય બન્ને રેલવે સ્ટેશન પર મળી જતા માતા-પિતાએ છાત્રાને પુછતા તેણે સમગ્ર હક્કિત વર્ણવતા આરોપી વિરુદ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અને આ મામલે પીઆઇ રજીયાએ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.