રાજકોટની ભાગોળે સરકારી જમીન ઉપર સૂચિત સોસાયટી બની ગઈ
અમરગઢમા જમીન કૌભાંડી તત્વોએ સરકારી જમીન ઉપર મકાન બનાવી 6 – 6 લાખમા વેચાણ કરી નાખ્યા
રાજકોટ શહેરની જેમ હવે શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ સૂચિત સોસાયટીઓનું દુષણ ફુલ્યું ફાલ્યું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે, રાજકોટ તાલુકાના અમરગઢ ગામના જમીન કૌભાંડિયા તત્વોએ સરકારી જમીન ઉપર સૂચિત સોસાયટી ઉભી કરી દઈ મકાન વેચી મારતા આવા સાત આસમીઓ સામે રાજકોટ તાલુકા મામલતદારે દબાણ કેસ ચલાવી દબાણ હટાવવા માટે આખરીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના અમરગઢ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 70ની જમીન ઉપર શિવમ પાર્ક સૂચિત સોસાયટી ઉભી કરી જમીન કૌભાંડિયા તત્વોએ અનેક મકાન બનાવી ગરીબ અને મધ્યમવર્ગને વેચી માર્યા હોવાનું ધ્યાને આવતા રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા પ્રથમ તબક્કે આવા સાત અસામીઓ સામે દબાણ કેસ ચલાવી સરકારી જમીન ઉપર બાંધકામ ખડકી દેવા સબબ દંડ ફટકારી દબાણ હટાવી લેવા તાકીદ કરી છે. આ દબાણ કેસમાં ભોગ બનેલા આસામીઓએ ત્રણથી ચાર વર્ષ પૂર્વે આ તૈયાર મકાન ખરીદ કર્યા હોવાનું મામલતદાર સમક્ષ કબૂલી આ સૂચિત સોસાયટી બનાવનાર કૌભાંડીઓના નામ પણ જાહેર કર્યા છે. આ સંજોગોમાં મામલતદાર દ્વારા સરકારી જમીન હડપ કરી ગરીબોની મરણમૂડી પડાવી લેનાર તત્વો સામે પણ કાર્યવાહી કરવા માટે માંગ ઉઠાવવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં દબાણ હટાવ કામગીરી પુર જોશમાં
ગત ડિસેમ્બર મહિનામાં રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ અન્વયે વિક્રમી ડિમોલિશન અને દબાણ હટાવ કામગીરી કરવામાં આવ્યા બાદ ચાલુ મહિનામાં પણ દબાણ હટાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેમાં જિલ્લામાં ગોંડલ તાલુકાના રૂપાવટી, કરમાળ કોટડા, ત્રાકુડા અને રીબડામાં 9 દબાણ કેસ કરાયા હતા જ્યારે વીંછીયા તાલુકાના શનાળીમા 4, જનડામા 2 દબાણ કેસ ચલાવી મામલતદાર દ્વારા દબાણ હટાવવા આદેશ કરવામાં આવ્યો હતો.