કોઠારીયામાં સરકારી જમીન ઉપર સૂચિત સોસાયટી બની ગઈ, ડિમોલિશન
લાપાસરી રોડ ઉપર ત્રણ કરોડની જમીન ખુલ્લી કરાવતા તાલુકા મામલતદાર
રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલ કોઠારીયા ગામની સરકારી જમીન ઉપર મોટાપાયે દબાણો ખડકાઈ ગયા છે ત્યારે કોઠારીયાથી લાપાસરી જતા રસ્તા ઉપર રેવન્યુ સર્વે નંબર 352ની ખરાબાની જમીન ઉપર દીપ્તિ સૂચિત સોસાયટી ઉભી થઇ જતા બુધવારે તાલુકા મામલતદારની ટીમે અંદાજે 3 કરોડની કિંમતની સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ શહેરમાં સમાવિષ્ટ કોઠારીયા (શહેર) વિસ્તારમાં લાપાસરી જવાના રસ્તે રેવન્યુ સર્વે નંબર 352 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં દિપ્તીનગર સૂચિત સોસાયટીના નામે ગેરકાયદેસર મકાનો તથા પાકા છાપરાવાળા ઢોરવાડા ઉપરાંત કારખાનાના બાંધકામ થઇ ગયા હોવાની આ વિસ્તારના ભાજપના કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવતા રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા દબાણકર્તાઓને નોટિસો ફટકારવામાં આવી હતી.બાદમાં બુધવારે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના રઘુભા વાઘેલા સહિતના સ્ટાફે 2500 ચોરસ જમીન ઉપર બની ગયેલા 10 જેટલા મકાનો, 2 ઢોરવાડા તથા કારખાનાનું પાકું બાંધકામવાળું દબાણ દુર કરી અંદાજે 3 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવેલ હતી.