કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણમાં નવો ફણગો
અંધશ્રદ્ધા-ગૃહકંકાસ સહિતના આક્ષેપ પાયાવિહોણા: પરિવાર એક' જ હતો...
નિધન બાદ ભાર્ગવને સરકાર તરફથી મળનારા ૧૪ લાખના વળતર પર પત્ની-સાસરિયાઓની નજર પેટા: ધાર્મિક પ્રસંગને અંધશ્રદ્ધા ગણતા હોય તો આ તેમની હલકી માનસિકતા કહેવાશે
બનાવની આગલી રાત્રે ભાર્ગવે સસરા સાથે ૯:૩૫ વાગ્યે ૯૮૫ સેક્નડ સુધી કરેલી વાતચીતનું રેકોર્ડિંગ
ગાયબ’ કરી દેવાયું !
પિતા કમલેશભાઈ બોરિસાગર, માતા ત્રિગુણાબેન અને કાકા-ઝોન ૧ એલસીબી પીએસઆઈ બી.વી.બોરિસાગરની મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા
પરિવાર વચ્ચે કેવી એકતા' હતી તેના તમામ પૂરાવા ઉપલબ્ધ
ગત તા.૨૪ એપ્રિલે રૂરલ એસપી કચેરીની રિડર બ્રાન્ચમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ ભાર્ગવ કમલેશભાઈ બોરીસાગરે મવડી પોલીસ હેડ ક્વાર્ટરના સાતમા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બીજી બાજુ આપઘાત પાછળ કારણ શું હશે તેને લઈને તરેહ તરેહની ચર્ચાઓ ચાલી હતી. દરમિયાન ભાર્ગવના પત્ની ધારા બોરીસાગરે
વોઈસ ઓફ ડે’ની મુલાકાત લઈને સસરા, સાસુ તેમજ ઝોન-૧ એલસીબીમાં પીએસઆઈ તરીકે કાર્યરત બી.વી.બોરીસાગર ઉપર સણસણતા આક્ષેપ કર્યા હતા. જો કે આ આક્ષેપ તથ્યવિહોણા જ હોવાનું અને તેમાં કોઈ જ દમ ન હોવાની સ્પષ્ટતા કરતાં બોરીસાગર પરિવારે જણાવ્યું કે પરિવારમાં કોઈ પ્રકારની ગૃહકંકાસ કે અંધશ્રદ્ધા હતા જ નહીં અને આખોયે પરિવાર એક' જ હતો.
સ્વ.ભાર્ગવના પિતા કમલેશભાઈ બોરિસાગર, માતા ત્રિગુણાબેન અને ઝોન-૧ એલસીબી પીએસઆઈ બી.વી.બોરિસાગરે
વોઈસ ઓફ ડે’ સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અત્યારે ભાર્ગવના સસરા માધવજીભાઈ ઉપરાંત પત્ની ધારા સહિતનાની નજર ૧૪ લાખ રૂપિયા ઉપર ટકેલી છે. ભાર્ગવનું મૃત્યુ થયા બાદ સરકાર તરફથી તેને ૧૪ લાખ રૂપિયાનું વળતર મળવાનું છે પરંતુ આ રકમ ધારાને મળે તે માટે ભાર્ગવના પિતા કમલેશભાઈ તરફથી સંમતિપત્રક મળવું જરૂરી છે એટલા માટે આ સંમતિપત્રક મેળવવા માટે જ આ લોકો દ્વારા પાયાવિહોણા આક્ષેપ કરીને બોરિસાગર પરિવારને સમાજમાં બદનામ કરવાનું હિન કૃત્ય કરવામાં આવી રહ્યું છે. પરિવારમાં કેટલી એકતા છે તેના તમામ પૂરાવા પણ બોરિસાગર પરિવાર પાસે ઉપલબ્ધ છે.
અંધશ્રદ્ધા વિશે તેમણે કહ્યું કે બોરિસાગર પરિવારે એક હવનનું આયોજન કર્યું હતું ત્યારે જો ધારા, તેના માતા-પિતા સહિતના હવનને અંધશ્રદ્ધા ગણતા હોય તો આ તેમની હલકી માનસિકતા ગણાશે. અમે ભારપૂર્વક કહીએ છીએ કે પરિવારની સુખ-શાંતિ માટે જ હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે કોઈ પણ દોરા-ધાગામાં વિશ્વાસ કરતા નથી કેમ કે બોરિસાગર પરિવારમાં સંપ જ એટલો છે.
તેમણે કહ્યું કે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાર્ગવે બનાવની આગલી રાત્રે એટલે કે તા.૨૩ એપ્રિલે રાત્રે ૯:૩૫ વાગ્યે તેના સસરા માધવજીભાઈ સાથે ૯૮૫ સેક્નડ સુધી વાતચીત કરી હતી ત્યારે આ રેકોર્ડિંગ જ `ગાયબ’ કરી દેવામાં આવ્યું છે એટલા માટે આવું શા માટે કરવામાં આવ્યું તેનો ખુલાસો તેમણે કરવો જોઈએ. એવું પણ બની શકે કે સસરા તરફથી કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવતું હોય જેનાથી કંટાળીને જ ભાર્ગવ દ્વારા અંતિમ પગલું ઉઠાવી લેવામાં આવ્યું હોય.
બોરિસાગર પરિવારે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે ભાર્ગવના સસરા માધવજીભાઈ પોતે ગરીબ હોવાનો ડોળ કરે છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે તેમનું વર્ષનું ટર્નઓવર ૩.૫૦ કરોડ રૂપિયાથી વધુ છે. ભાર્ગવના મૃત્યુ બાદ બે મહિનાનું ભાડું પણ અમે ચૂકવવા તૈયાર હતા પરંતુ ધારા ત્યાં હજુ રહેવા માંગતી હતી. ધારા જ્યાં સુધી સંયુક્ત પરિવારમાં રહેતી હતી ત્યાં સુધી કોઈ જ પ્રકારનો વાંધો ન્હોતો. જો કે તેણે જ ભાર્ગવને પરિવારથી અલગ કર્યો હતો.
હું મારી બધી જ સંપત્તિ ભાર્ગવના નામે કરવાનો છું: બી.વી.બોરિસાગર
ઝોન-૧ એલસીબી પીએસઆઈ બી.વી.બોરિસાગરે એમ પણ જણાવ્યું હતું કે હું મારી બધી સંપત્તિ ભાર્ગવના નામે કરવાનો છું. ભાર્ગવ મારા માટે પુત્ર કરતાં પણ વધુ વિશેષ હતો અને અમારા બન્ને વચ્ચે કાકા-ભત્રીજા નહીં બલ્કે મીત્રતાનો સંબંધ હતો. મેં કોઈ વખત તેના ઉપર હાથ ઉપાડ્યો નથી કે ન તો તેના પિતા કમલેશભાઈએ કોઈ વાર તેને માર માર્યો. બન્ને પિતા-પુત્ર એક થાળીમાં જમતાં હોય, માતા ભાર્ગવનું માથું દબાવતા હોય, મારા પુત્રીઓ અને ભાર્ગવના બહેન તેની સાથે હસી-મજાક કરતા હોય તેવા અનેક વીડિયો અમારી પાસે છે. અમે તો અમારો વ્હાલસોયો ગુમાવી દીધો છે ઉપર જતાં ભાર્ગવની પત્ની તેમજ માતા-પિતા દ્વારા અમને આ રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે જે બિલકુલ વ્યાજબી નથી.
પરિવાર સાથે સ્વ.ભાર્ગવે કરેલી જન્મદિવસની ઉજવણી
બોરિસાગર પરિવાર દ્વારા એકબીજા સાથે કેટલી આત્મીયતા હતી તેના વીડિયો, તસવીરો આપવામાં આવ્યા છે ત્યારે તે પૈકીની એક તસવીરમાં સ્વ.ભાર્ગવ સાથે તેમના માતા ત્રિગુણાબેન અને પત્ની ધારા જોવા મળી રહ્યા છે. આ તસવીર જોતાં કોઈ પણ ન કહી શકે કે ધારા કે ભાર્ગવ ઉપર સાસરિયા દ્વારા કોઈ પ્રકારનું ટોર્ચર કરવામાં આવતું હોય…!