36 કરોડના ખર્ચે રાજકોટમાં નવી જિલ્લા પંચાયત કચેરી બનશે
જિલ્લા પંચાયતની ખાસ કારોબારીમાં 51.85 કરોડના વિકાસ કામોને મંજૂરી : સિંચાઈ માટે 12.74 કરોડની ફાળવણી
રાજકોટ : રાજકોટની વર્ષો જૂની જિલ્લા પંચાયત કચેરીના સ્થાને 36 કરોડથી વધુના ખર્ચે નવું જિલ્લા પંચાયત ભવન બનાવવા સોમવારે મળેલી ખાસ કારોબારી બેઠકમાં મંજૂરી આપવાની સાથે સત્તાધીશોએ ખાસ કારોબારી બેઠકમાં 51.85 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારી હતી.
સોમવારે રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં નવા જિલ્લા પંચાયત ભવન માટે અંદાજે રૂપિયા 36, 17,73,637નો ખર્ચ ટેન્ડર મુજબ મંજુર કરવાની સાથે આ બેઠકમાં સિંચાઈ માટે અલગ અલગ 16 કામો માટે 12 કરોડથી વધુનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સાથે જ જસદણ, વિછિયા અને આટકોટ પંથકના અલગ અલગ રસ્તા સહિતના કામ માટે બાંધકામ ખર્ચ પેટે કુલ 39.05 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.જિલ્લા પંચાયતની ખાસ કારોબારી બેઠકમાં અધ્યક્ષ પી.જી.કયાડા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે તેમજ સભ્યો અને જિલ્લા પંચાયતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા પંચાયત કન્સલ્ટન્ટ પાછળ સવા કરોડનું આંધણ કરશે
રાજકોટ જિલ્લા પંચાયતને પણ રાજકોટ મહાનગર પાલિકા જેવો રોગ લાગુ પડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ખાસ કારોબારી બેઠકમાં અલગ અલગ ત્રણ કામ માટે રૂપિયા 1,22,72,666 નો ખર્ચ કરવાનું નક્કી કર્યું હતું જેમાં ઉપલેટા અને ધોરાજીમાં પરકોલેશન ટેન્ક/સ્ટોરેજ સહિતના કામ માટે 33 લાખથી વધુનો કન્સલ્ટિંગ ચાર્જ ઉપરાંત જસદણ તાલુકામાં વિવિધ સિંચાઇના રીપેરીંગ અને રિસ્ટોરેશનના કન્સલ્ટિંગ માટે 88 લાખનો ખર્ચ કરવાનું મંજુર કરવામાં આવ્યું હતું.