રેસકોર્સ રિંગરોડને ‘નવોઢા’ જેવો શણગાર
રવિવાર સુધી એક એકથી ચડિયાતી લાઈટિંગથી રાજકોટની શાન સમો રિંગરોડ ઝળહળશે: શનિવારે ૧૦૦૦ સ્પર્ધકો વચ્ચે રંગોળી સ્પર્ધા'ને રવિવારે રાજકોટીયન્સ તેને નિહાળી શકશે: આકર્ષક એન્ટ્રી ગેઈટ-સેલ્ફી પોઈન્ટ
વધારા’નું આકર્ષણ: મનપાનું કાબિલેદાદ આયોજન
દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા અવનવા આયોજન કરવામાં આવ્યા છે. શહેરના શાન સમા રેસકોર્સ રિંગરોડને મહાપાલિકાએ `નવોઢા’ની જેમ શણગારી દેતાં મોડીરાત સુધી શણગાર નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે. રિંગરોડ ફરતે વિવિધ પ્રકારની લાઈટિંગ ગોઠવવામાં આવી છે જે કદાચ પાછલા વર્ષોમાં ક્યારેય જોવા મળી નહીં હોય. આ શણગાર તા.૧૨ નવેમ્બર મતલબ કે દિવાળી સુધી યથાવત રહેશે. રિંગરોડ પર થીમ બેઈઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શનિવારે એટલે કે કાળી ચૌદશે રિંગરોડ પર ૧૦૦૦ સ્પર્ધકો વચ્ચે રંગોળી સ્પર્ધા જામશે જે રંગોળી શહેરીજનો દિવાળીના દિવસે નિહાળી શકશે. આ ઉપરાંત રિંગરોડ પર આકર્ષક ગેઈટ અને સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જે શણગારને ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ શણગારને નિહાળવા માટે મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતનાએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
દિવાળી પર આગ સહિતના બનાવો અટકાવવા પાંચ સ્થળે હંગામી ફાયર સ્ટેશન
મહાપાલિકા દ્વારા દિવાળી પર આગ સહિતના અનિચ્છનીય બનાવો અટકાવવા માટે વધુ પાંચ સ્થળે હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. એકંદરે દિવાળી પર ૧૩ ફાયર સ્ટેશન કાર્યરત રહેશે. આ ફાયર સ્ટેશન પર આવતીકાલથી તા.૧૩ સુધી સવારે ૮ વાગ્યાથી સ્ટાફ કાર્યરત રહેશે. લોકો ૧૦૧ નંબર ઉપર સંપર્ક કરી તાત્કાલિક મદદ મેળવી શકશે.
હંગામી ફાયર સ્ટેશન
- પરાબજાર
- ફૂલછાબ ચોક
- સંતકબીર રોડ
- નાનામવા સર્કલ
- યુનિવર્સિટી રોડ
૮ ફાયર સ્ટેશનના ફોન નંબર
ફાયર સ્ટેશન ફોન નંબર
કનક રોડ – ૦૨૮૧-૨૨૨૭૨૨૨/ ૨૨૫૦૧૦૩, ૨૨૫૦૧૦૫
બેડીપરા – ૦૨૮૧-૨૩૮૭૦૦૧
કાલાવડ રોડ – ૦૨૮૧-૨૫૬૨૨૬૦
મવડી – ૦૨૮૧-૨૩૭૪૭૭૪
રામાપીર ફાયર સ્ટેશન – ૦૨૮૧-૨૫૭૪૭૭૩
કોઠારિયા – ૦૨૮૧-૨૩૬૫૪૪૪
રેલનગર – ૦૨૮૧-૨૪૫૧૧૦૧
ઈમરજન્સી નંબર – ૯૯૨૪૯ ૭૫૭૫૪-૯૭૧૪૯ ૨૧૨૧૪