રાજકોટના બેડલા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું
વન વિભાગને ફૂટમાર્ક મળ્યા દીપડો પકડવા પાંજરું મુકાયું: ગ્રામજનોમાં ભયનો માહોલ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અને શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ દેખાદેતા લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. તેવામાં બુધવારે રાત્રિના સમયે બેડલા ગામે દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનો દ્વારા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દોડતું થયું હતું.
તાજેતરમાં જ રાજકોટના કલાવાડ રોડ પર રાત્રીના સમયે આરપીજે હોટલ નજીક દીપડો રસ્તો ઓળંગતો હોવાના સીસીટીવી સામે આવ્યા હતા. તેવામાં દીપડાને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં દીપડો હવે રાજકોટના તાલુકા વિસ્તારમાં પહોંચી ગયો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના બેડલા ગામે રાત્રીના સમયે દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું છે. નાયબ વન સંરક્ષકે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેડલા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ મારણ કર્યું હતું. જે અંગે પશુ માલિકે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી. અહી દીપડાના ફૂટમાર્ક મળ્યા હતા. જેને લઈને દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લા 18 દિવસથી દીપડો રાજકોટના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યો છે અને લોકોમાં ભયનો માહોલ પણ છે. જો કે, હજુ સુધી વન વિભાગને દીપડો પાંજરે પૂરવામાં સફળતા મળી નથી.