રાજકોટની યુવતીને હિન્દુ નામ ધારણ કરી હૈદરાબાદના મુસ્લિમ શખ્સે ફસાવી
પરિવારની હાજરીમાં યુવતી પાસેથી મોબાઈલ ઝુંટવી નાસી છૂટેલો શખ્સ ગેસ્ટહાઉસ માંથી પકડાયો
રાજકોટની એક હિન્દુ યુવતીને હૈદરાબાદના મુસ્લિમ શખ્સે હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી તેનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું હોય આ મુસ્લિમ શખ્સનો ભાંડો ફૂટતા યુવતીએ આ મુસ્લિમ શખ્સને રાજકોટ બોલાવી તેનું સત્ય લોકો સમક્ષ મૂકવા પ્લાન બનાવ્યો પરતું આ શખ્સ રાજકોટ યુવતીના ઘરે મળવા આવ્યા બાદ યુવતીનો મોબાઈલ ઝુંટવી ફરાર થઈ જતાં સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો અને આ મામલે પોલીસે હૈદરાબાદના મુસ્લિમ શખ્સને એક હોટલ માંથી ઝડપી લીધો હવે આ મામલે પોલીસ ફરિયાદ માટે તજવીજ શરૂ કરાઇ છે.
યુવતી ગોવા ફરવા ગઈ ત્યારે હૈદરાબાદનો વતની મુસ્લિમ શખ્સે પોતે સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. જે તે સમયે બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઈ હતી બન્ને વચ્ચે વાતચીતો થતી હતી યુવતી આ શખ્સને મળવા મુંબઈ અને હૈદરાબાદ પણ ગઈ હતી થોડા સમય પૂર્વે યુવતીને માલુમ પડ્યું હતું કે આ શખ્સ મુસ્લિમ હોવા છતાં પણ તેણે હિન્દુનું નામ રાખી પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતીએ અત્યાર સુધીમાં અંદાજિત ૬ લાખ જેટલી રકમ આપી હોવાનું જાણવા મળ્યું છે. મુસ્લિમ શખ્સને પાઠ ભણાવવા માટે યુવતી અને તેના પરિવારે પ્લાન બનાવ્યો હતો. આઠક દિવસ પૂર્વે યુવતીએ હૈદરાબાદના આ સિવિલ એન્જિનિયર શખ્સને ફોન કરી રાજકોટ મળવા માટે બોલાવ્યો હતો. યુવતીના ઘરે ગયો ત્યારે તેણે યુવતી અને તેના પરિવારજ ઉપર શંકા જતાં હૈદરાબાદનો શખ્સ યુવતીના હાથમાં રહેલો મોબાઈલ ઝુંટવી છૂટ્યો હતો બાદમાં પોલીસનો સંપર્ક કરાતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રેલવે સ્ટેશન નજીક આવેલ એક ગેસ્ટ હાઉસ માંથી હૈદરાબાદના મુસ્લિમ શખ્સ પકડાયો હતો. હાલ પોલીસે આ મામલે લવ જેહાદ અંગે ગુનો દાખલ કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે.