કોટડાસાંગાણી પાસે કારખાનામાં લુંટ ચલાવનાર ટોળકી પકડાઈ
પાંચ દિવસ પૂર્વે બનેલા બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે ચાર શખ્સો ઓળખાયા
કોટડાસાંગાણીના પીપલાણા ગામે શ્રીનાથજી ફાઉન્ડ્રીમાં ત્રાટકેલા લુંટારૂઓએ કારખાનાની જ ઓરડીમાં રહેતા શ્રમિકોને છરી બતાવી મોબાઈલ સહિત રૂ.35500ની થયેલી લૂંટમાં સંડોવાયેલા ચાર શખ્સોને પોલીસે સકંજામાં લીધા છે.
બનાવ અંગે શ્રીનાથજી ફાઉન્ડ્રીમાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ બિહારના રંજીત ગૌસ્વામી (ઉ.વ.23) એ ફરીયાદ નોંધાવી હતી. પાંચ દિવસ પૂર્વે ગઈ તા.25ના રોજ રાત્રે એકાદ વાગે જ ચાર શખ્સો ઓરડીમાં ઘુસ્યા હતા અને તેના મોઢે મુંગો ડોક ઉપર છરી રાખી મોબાઈલ ફોન અને રોકડ લુંટી ગયા હતા.આ બાબતે કારખાનાના માલિક પરેશભાઈ સગપરીયાને જાણ કરી હતી.
કારખાનામાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં કારખાનાની આગળની સાઈડમાં રહેલી સીડી ચડીને ચારેય શખ્સો ઉપર ઘુસ્યા હોવાનું દેખાયું હતું આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હોય પોલીસે સીસીટીવીમાં ફુટેજના આધારે ચારેય શખ્સોની ઓળખ કરી હતી અને ચારેયની સકંજામાં લઇ વિશેષ પુછપરછ કરી છે.
