ગુલ્ફીમાં માખીની બબાલ : રાજકોટ જિલ્લા ભાજપના મહિલા હોદ્દેદારની ઓડિયો ક્લિપ વાઇરલ
ક્લિપમાં અપશબ્દોનો વરસાદ: ઓડિયો ક્લિપમાં અમિત શાહના નામનો પણ ઉલ્લેખ
રાજકોટ જિલ્લા ભાજપના એક મહિલા હોદેદારની ઓડિયો ક્લિપ હાલમાં વાઈરલ થઇ છે. વોટ્સએપના કેટલાક ગ્રુપમાં ફરી રહેલી આ ઓડિયો ક્લિપમાં મહિલા દ્વારકાના કોઈ જયેશભાઈને ધમકાવી રહ્યા છે એટલું જ નહી પણ અપશબ્દોની બૌછાર બોલાવી રહ્યા છે. મામલો ગુલ્ફીમાં માખી નીકળી હતી તેનો હતો અને એ મુદ્દે કોઈએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ડામવા માટે આ મહિલાએ ફોન કર્યો હતો અને જેમતેમ ભાષાપ્રયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ વાતચીતમાં આ મહિલાએ અમિત શાહનો પણ નામોલ્લેખ કર્યો હતો અને જ્યાં જે કરવું હોય તે કરી લેવા જણાવ્યું હતું. આ મહિલા જેની સાથે વાત કરે છે તે શાંતિથી વાત કરવાનું કહે છે પણ આ મહિલા વધુને વધુ ઉશ્કેરાઈને વાત કરે છે અને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો પણ બોલે છે. આ ફોનમાં દ્વારકા ભાજપના આગેવાનોના નામનો પણ ઉલ્લેખ થાય છે અને જો ગુલ્ફી બાબતે કોઈ ફરિયાદ કરી છે તો જોવા જેવી થશે તેવી ધમકી આપવામાં આવે છે. આ ક્લિપ બાબતે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પૂછતાં તેઓ આ બાબતે અજાણ છે તેમ જણાવ્યું હતું.