૧૨ જાન્યુઆરીએ રાજકોટમાં દેશ-વિદેશના પતંગવીરનો જામશે ‘મેળો’
ડી.એચ.કોલેજમાં મહાપાલિકાનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
ભારતમાં નવા વર્ષનો સૌપ્રથમ તહેવાર એટલે મકરસંક્રાંતિ...આ પર્વે સૌ કોઈ પોતપોતાના ધાબા પર ચડીને આખો દિવસ પતંગના
પેચ’ લડાવવાની મોજ માણતાં હોય છે. દરમિયાન મહાપાલિકા દ્વારા પણ દર વર્ષે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય તેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના પતંગવીર ઉત્સાહપૂર્વક ભાગ લેતાં હોય છે ત્યારે આ વર્ષે પણ ૧૨ જાન્યુઆરીએ ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતનું પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ને રવિવારે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં વિવિધ દેશ તેમજ ભારતના અલગ-અલગ રાજ્યના પતંગવીરો ભાગ લેશે. આ મહોત્સવનું ઉદ્ઘાટન સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે કરાશે.