આત્મીય કોલેજ કેમ્પસમાં બેકાબૂ સ્પીડે થાર ચલાવી અકસ્માત સર્જનાર સામે ગુનો નોંધાયો
કાર ચલાવતાં શીખતા ટાબરિયાએ બ્રેકને બદલે લિવર દેતા થાર બેકાબૂ બની ગઈ
કાલાવડ રોડ ઉપર આવેલ આત્મીય કોલેજના વિધાર્થી થાર કાર ચડાવી દેનાર ટાબરિયા સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, સગીર પોતાના મિત્રની થાર કાર ચલાવતાં શીખતો હતો ત્યારે કાબૂ ગુમાવતાં થાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો.
રૈયા ગામમાં રહેતો અને કાલાવડ રોડ પર આત્મીય કોલેજના એમસીએના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં 22 વર્ષના વિશાલ ગોતમભાઇ મકવાણા (ઉ.વ.૨૨) કોલેજ પુરી થતાં પાર્કિંગમાં પોતાનું બાઇક રાખ્યું હોઇ ત્યાં જતો હતો ત્યારે જીજે૦૩-૧૨૬૭ નંબરની થાર કાર પુરઝડપે આવી હતી અને વિશાલને ઠોકરે ચડાવી દેતાં તે પડી ગયો હતો. આ કારણે તેને માથા, શરીરે ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા ચાલક અને સાથેનો એક શખ્સ કાર લઇ ભાગી ગયા હતાં. વિશાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ ક્રવમાં આવ્યો હતો.
આ મામલે તાલુકા પોલીસે વિશાલની ફરિયાદ પરથી કારચાલક સગીર સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સગીર તેના મિત્રની કાર ચલાવતાં શીખી રહ્યો હતો ત્યારે બ્રેકને બદલે લિવર પર પગ મુકી દેતાં ગાડી બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો.