લાયન સફારી પાર્કમાંથી પ્રાણીઓ બહાર ન નીકળી જાય તે માટે ૨૦ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનશે
પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં જ બનશે સાસણ-દેવળિયા જેવો પાર્ક
જાહેરાત કરાયાના ૧૦ મહિના બાદ કામ આગળ ધપ્યું
૨.૭૫ મીટર ઉંચી કમ્પાઉન્ડ વોલ, પાંચ મીટર ઉંચી ચેઈનલિન્ક ફેન્સિંગ કરાશે: ૨૯ હેક્ટરમાં સિંહ સહિતના પ્રાણીઓ વિહરશે
રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં જ મહાપાલિકા દ્વારા સાસણ-દેવળિયા જેવો લાયન સફારી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આમ તો આ જાહેરાત ૧૦ મહિના અગાઉ એટલે કે ગત ડિસેમ્બર માસમાં જ કરી દેવામાં આવી હતી જેનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે. આ લાયન સફારી પાર્ક ૨૯ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે જેમાં સિંહ સહિતના પ્રાણીઓ વિહરશે ત્યારે આ પ્રમાણીઓ પાર્કની બહાર ન નીકળી જાય તે માટે ૨૦.૧૮ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ તેમજ ચેઈનલીન્ક ફેન્સીંગ દિવાલ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જે કમ્પાઉન્ડ વોલ બનશે તેની ઉંચાઈ ૨.૭૫ મીટર એટલે કે ૯ ફૂટ ઉંચી હશે. આ ઉપરાંત ચેઈનલિન્ક ફેન્સીંગ કરવામાં આવશે જેની ઉંચાઈ ૫ મીટર એટલે કે ૧૬.૪૦ ફૂટ રહેશે. આ પાર્ક પ્રદ્યુમન પાર્ક ઝૂની પૂર્વ દિશાએ સર્વે નં.૧૪૪, ૧૪૫, અને ૧૫૦ની અંદાજે ૨૯ હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક તૈયાર કરવામાં આવશે.
અહીં પ્રાણીઓ માટે ખોરાક તેમજ અન્ય સુવિધાઓ સાથેનું નાઈટ શેલ્ટર બનાવવામાં આવશે. સફારી પાર્કમાં મુલાકાતી વાહન પ્રવેશ માટે ખાસ પ્રકારનો ટૂ વે ગેટ બનાવાશે. આ ઉપરાંત વાહન માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ટિકિટ વ્યવસ્થા, રેસ્ટીંગ શેડ, ટોઈલેટ બ્લોક, લોન અને ગાર્ડન વિથ ચિલ્ડ્રન પ્લે એરિયા, ફિલ્ટર પાણીની વ્યવસ્થા, ફૂડ કોર્ટ સહિતની સુવિધા ઉભી કરાશે.