કમિશનરના બંગલા પાસે જ સેન્ટ્રો ચાલકે પોલીસને હડફેટે લઈ હાથ ભાંગી નાખ્યો
પોલીસ કમિશનર આવવાના હોવાથી તેમના બંગલાનો દરવાજો ખોલી ઉભેલા પીકેટ ગાર્ડને રાત્રે ૧૧:૧૫ વાગ્યે નડેલો અકસ્માત: હાથ ઉંચો કરી સેન્ટ્રો ધીમી પાડવા કહ્યું છતાં ચાલક ઉભો ન રહ્યો
પોલીસ હેડ ક્વાર્ટરવાળો રોડ જાણે કે અકસ્માતો માટે જાણીતો બની ગયો હોય તેવી રીતે થોડા સમય પહેલાં હેડ ક્વાર્ટરમાંથી બહાર નીકળેલી ગાડીએ એક દંપતિને હડફેટે લઈને લોહીલુહાણ કરી નાખ્યા બાદ શનિવારે રાત્રીના સમયે પોલીસ કમિશનરના બંગલા પાસે જ પૂરપાટ ઝડપે ધસી આવેલા સેન્ટ્રો ચાલકે પોલીસ જવાનને જ હડફેટે લઈ હાથ ભાંગી નાખતાં આ મામલે ફરિયાદ નોંધી ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અંગે પોલીસ કમિશનરના બંગલે પીકેટ ગાર્ડ તરીકે ફરજ બજાવતાં વિનોદભાઈ સોમાભાઈ ખેર (ઉ.વ.૪૬)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શનિવારે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં પોલીસ કમિશનર બહારથી પોતાના બંગલે આવી રહ્યા હોય તેઓ આવે તે પહેલાં જ બંગલાનો ગેટ કે જે પોલીસ હેડ ક્વાર્ટરથી ડાબી બાજુ ઉપર જામટાવર જવાના રસ્તા પર આવે છે તે ગેટ ખોલીને હું બહાર રોડ ઉપર ટ્રાફિક નિયમન માટે ઉભો હતો. આ વેળા ૧૧:૧૫ વાગ્યે જામટાવર રોડ ઉપરથી એક સિલ્વર કલરની સેન્ટ્રો કાર ધસમસતી સ્પીડે આવી રહી હોય મારા ધ્યાન પર આવતાં મેં તુરંત જ હાથ ઉંચો કરી ગાડી ધીમી પાડવા કહ્યું હતું પરંતુ તેને કોઈ જ ફેર ન પડી રહ્યો હોય તેવી રીતે તેણે ધસી આવી મને હડફેટે લીધો હતો. આ અકસ્માતની જાણ થતાં જ કમિશનરના બંગલામાંથી અન્ય કર્મીઓ બહાર દોડી આવ્યા હતા અને મને હોસ્પિટલે ખસેડ્યો હતો.
જો કે મેં આ ગાડીના નંબર નોંધી લીધા હોય તેનો નંબર જીજે૬-બીએલ-૮૫૪૭ હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેની ખરાઈ કરતાં આ ગાડી પ્રતીક વાવેચા ચલાવી રહ્યો હોવાનું ખુલ્યું છે. પ્ર.નગર પોલીસે ગાડી નંબરના આધારે પ્રતીક વાવેચા સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.