એક ફોન આવ્યો’ને 181ની ટીમે મહિલાને આપ્યું નવજીવન
“મારે આત્મહત્યા જ કરવી છે” તેવું રટણ કરતી પીડિતાનું સફળ કાઉન્સિલિંગ કરાયું
ઘરમાં થતાં નાના-મોટા ઝઘડાથી પરિણીતા રેલવેના ટ્રેક પર પહોંચી હતી આત્મહત્યા કરવા
રાજકોટમાં રહેતી એક પરિણીતા ઘરના નાના-મોટા ઝઘડાથી કંટાળી આત્મહત્યા કરવા જતી હોવાની જાણ થતાં 181 અભયમની ટીમ દ્વારા મહિલાનો જીવ બચવાયો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત 181 અભયમ ટીમ અને મહિલા સહાયતા કેન્દ્રના સંકલનથી સફળ કાઉન્સિલિંગ કરી મહિલા નવજીવન મળ્યું હતું. જ્યારે એક પરિવારને તૂટતા બચાવાયું હતું.
રાજકોટમાં 181 ટીમને એક વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, એક મહિલા રડતા રડતા રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા જાય છે. આવી માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર જીનલ વણકર અને કોન્સ્ટેબલ રીનાબેન બારૈયા ગણતરીની જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
181ની ટીમે પીડીતાને આશ્વાસન આપી આત્મહત્યા કરવાનું કારણ જાણ્યું ત્યારે પીડીતાએ જણાવ્યું હતું કે, મારા ઘરમાં રોજ રોજ નાની-નાની બાબતોમાં ઝઘડા થાય છે અને હું આ ઝઘડાથી કંટાળી ગઈ છું, હવે મને એક જ રસ્તો દેખાય છે આત્મહત્યા. આથી 181ની ટીમ દ્વારા પીડિતાને સમજાવ્યુ કે નાના મોટા ઝગડા ક્યારેક પરિવારમાં થાય। બધી જ સમસ્યાનું સમાધાન હોય જ છે. આત્મહત્યા કરવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી વગેરે વાતોથી પીડિતાનું કુશળ કાઉન્સિલિંગ કરાયું હતું અને તેઓને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાયા હતા.
બાદમાં તેમના પરિવારનો સંપર્ક કરી પીડિતાના પતિનું પણ કાઉન્સિલિંગ કરી બન્ને પક્ષ વચ્ચેના મતભેદો દૂર કરાયા હતા. ખુબ લાંબાગાળાના કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા પીડિતાને મહિલા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેંન્દ્રમા લઇ જવામાં આવ્યા હતા અને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર દક્ષાબેન ચાંદલિયા અને કૃપાબેંન જોષી દ્વારા બંને પતિ-પત્નીના લાંબા ગાળાના કાઉન્સિલિંગ થયા અને સુખદ સમાધાનકારી નિરાકરણ લવાયું હતું. સમયાંતરે નિયમિત તેના ફોલોઅપ ટીમ દ્વારા લેવાય છે.