26 વર્ષના યુવકનું રનીંગ કર્યા બાદ હાર્ટ એટેકથી મોત
પોલીસ ભરતીની તૈયારી કરતા
મવડી મેઇન રોડ પર રહેતો યુવક રનીંગ કરી ઘરે આવ્યો ને બેભાન થઈ ઢળી પડતાં કાળનો કોળિયો બન્યો : પરિવારમાં કલ્પાંત
રાજકોટ કાળઝાળ ગરમી પાડવાના કારણે હાર્ટ એટેકના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મવડી મેઇન રોડ પર રહેતા અને પોલીસ ભરતીની તૈયારી કરતાં 26 વર્ષીય યુવાનનું રનીંગ કરી ઘરે પહોંચ્યા બાદ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. અને બનાવથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.3 માં રહેતો વિશાલ અશોકભાઈ કોળિયા (ઉ.વ.26) ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહી ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.અને પોલીસની પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક બે ભાઈ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. અને તે પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. થોડાં સમય પહેલાં જ પોલીસમાં જોડાવા માટે એપ્લિકેશન કર્યા બાદ નિયમિત રનિંગની તૈયારી કરતો હતો. સાંજના સમયે ઘરેથી રનિંગ કરવાં નીકળ્યાં બાદ તે રાતે 10 વાગ્યે ઘરે આવતા તેને હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યો હતો.અને કાળનો કોળિયો બન્યો હતો. હાલ બનાવથી પરિવારે આશાસ્પદ યુવાન ગુમાવતાં ગમગીની છવાઈ હતી.