21 વર્ષીય યુવકે કબજિયાત માંથી છુટકારો મેળવવા સળિયાનો ઉપયોગ કર્યો
મળ ન ઉતરતા નવો અખતરો કરતાં સળિયો ફસાઇ ગયો : સિવિલના તબીબો ઓપરેશન કરી યુવકને પીડા મૂકત કર્યો
રાજકોટમાં રહેતાં એક પરિવારના 21 વર્ષના યુવાને કબજિયાત થતાં ન કરવાનું કર્યું હતું. મળ ન ઉતરતા તેને પોતાની સાથે બાથરૂમમાં લોખંડનો સળિયો સાથે લઇ ગયો હતો. અને આ સળિયાને ગુદાના માર્ગમાં નાખ્યો હતો. બાદમાં તે સળિયો ત્યાં ફસાઇ જતાં બનાવની વાત પરિવારને કરતાં પરિવાર યુવકને રાતોરાત સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. અને તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરી સળિયાને બહાર કાઢી યુવકને પીડા મૂકત કર્યો હતો.
વિગતો મુજબ દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતાં 21 વર્ષના યુવાનને રાતે નવેક વાગ્યે ગુદાના માર્ગે સળીયો નાખ્યો હતો. અને તે સળિયો ફસાઇ જતાં તેને લોહી નીકળતી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોતાની જાતે સળીયો ફસાવ્યાની વિગતો જાણી તબિબે પોલીસ કેસ બનતો હોઇ જેથી પોલીસ ચોકીના સ્ટાફને જાણ કરતાં હેડકોન્સ રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવતાં હેડકોન્સ. વિમલભાઈ ધાણજા સહિતે પહોંચી નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની માનસિક હાલત ઠીક ન હોઇ અગાઉ પણ આવુ કર્યાનું જણાવાયું હતું. તેના સગાએ વધુમાં જણાવ્યું હતું કે તેને કબજીયાત થઇ ગયું હોઇ જેથી મળ કાઢવા માટે તેણે સળીયાનો ઉપયોગ કર્યો હતો. અગાઉ કબજીયાત થઇ હોઇ ત્યારે પણ આવુ કર્યુ હોઇ આ વખતે ફરીથી આવુ કર્યું હતું. પણ આ વખતે સળીયો ફસાઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. અસહ્ય પીડા ઉપડતા તેને રાતોરાત સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને તબિબો તેને ઓપરેશન કરી પીડા મુકત કર્યો હતો.