રાજકોટમાં હાર્ડવેરની દુકાન સહિત 9 મિલ્કત સીલ
શહેરના સુભાષનગર, મોરબી રોડ, નાનામવા, રૈયા વિસ્તારમાં 26.59 લાખની રિકવરી
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત મંગળવારે એક હાર્ડવેરની દુકાન સહિત વધુ 9 મિલ્કત સીલ કરીને 3 નળ જોડાણ કાપવામાં આવતા 26.59 લાખની રીકવરી થઇ હતી, સાથે જ 15 મિલ્કત ધારકોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી.

કોર્પોરેશનની ટેક્સ શાખા દ્વારા મંગળવારે વોર્ડ નં.2માં સુભાષનગરમાં ભૂમિ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર બે અને રેલ્વે ટ્રેક નજીક શંકર વોચ કોર્નરમાં એક યુનિટ સીલ મારી દઈ વોર્ડ નં.3માં ભારત નમકીન, દેવકુંવરબા હાઇસ્કુલ પાસે, દાણાપીઠ પાસેના ડેલામાં નોટીસ અપાતા રીકવરી થઇ હતી. સાથે જ વોર્ડ નં.4 કુવાડવા રોડના જય ગુરૂદેવ કોમ્પ્લેક્ષમાં દુકાન, મોરબી રોડની શાનદાર રેસીડેન્સીમાં દુકાન, આંગણવાડી બાજુમાં વેલનાથપરા-2માં પટેલ હાર્ડવેરમાં સીલ મારવામાં આવ્યા હતા. તેમજ વોર્ડ નં.5ના પેડક રોડ, રણછોડનગરમાં અને પેડક રોડ પારૂલ ગાર્ડન નજીક, અલ્કા પાર્કમાં બે નળ જોડાણ કાપી નંખાયા હતા.
આ ઉપરાંત ટેક્સ વિભાગે નાના મવા રોડ, રૈયા રોડ પર સમર્પણ સોસાયટીમાં નળ જોડાણ કાપતા ચેક જમા થયો હતો. મવડીમાં વાગડ ચોકડી નજીક મવડી પ્લાઝામાં ટેકસની ટીમ ત્રાટકતા આઠ મિલ્કતમાંથી સાડા ચાર લાખની રકમના ચેક આવ્યા હતા. જયારે બાપુનગરમાં વિનોદ હોટલવાળી શેરીમાં પાયોનીયર એન્જી. નજીક બે મિલ્કતને સીલ મારવામાં આવ્યા હતા. તેમજ કોઠારીયા રોડ, શિવધારા પાર્ક-2માં પણ એક મિલ્કત સીલ કરાઇ હતી. સાથે જ માલધારી ફાટક પાસે બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, વરૂણ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ રીકવરી કરવામાં આવી હતી.