બે દિવસમાં પકડાયું ૮૯૬ કિલો પ્લાસ્ટિક
ભાવનગર રોડ પરથી ફાકી બનાવવા માટે સપ્લાય થતું ૮૭૦ કિલો પ્લાસ્ટિક જપ્ત
રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગની મનાઈ માત્ર કાગળ ઉપર જ હોય તેવી રીતે ઢગલા મોઢે પ્લાસ્ટિક ઠલવાઈ રહ્યું છે સાથે સાથે વપરાઈ પણ રહ્યું છે. મહાપાલિકા દ્વારા પણ અત્યાર સુધી માત્ર પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં ધંધાર્થીઓને ત્યાં જ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ સપ્લાય ક્યાંથી થઈ રહી છે તે દિશામાં કાર્યવાહી કરવાની તસ્દી જ લેવાઈ રહી ન હોય દૂષણ વકરી રહ્યું છે. આવું જ ૮૯૬ પ્રતિબંધિત પ્લાસ્ટિક બે દિવસની અંદર પકડાઈ ગયું હતું.
ભાવનગર રોડ ઉપર મંગળવારે ખાનગી વાહનમાં ભરીને જઈ રહેલા ૮૭૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પકડી લેવાયો હતો. આ પ્લાસ્ટિક ફાકી બનાવવા માટે ઉપયોગમાં લેવાનાર હોવાનું જાણવા મળ્યું છે. તંત્રએ તમામ જથ્થો જપ્ત કરી ૧૦ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. જ્યારે બુધવારે ત્રણેય ઝોનમાં કરાયેલા ચેકિંગ દરમિયાન ૯૯ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડની વસૂલાત કરવામાં આવી હતી.